જામનગર: નથુવડલામાં ફુડ પોઈઝનિંગથી 43 પશુના મોત થતા કૃષિમંત્રી રાઘવજી પટેલે પશુપાલકને ચુકવી સહાય

TV9 GUJARATI

|

Updated on: Dec 17, 2022 | 6:47 PM

જામનગર: નથુવડલામાં 43 પશુના મોત કૃષિમંત્રી રાઘવજી પટેલે પશુપાલકને સરકાર દ્વારા મળવાપાત્ર સહાય ચુકવી છે. ખોરાકમાં ઝેર આવી જતા માલધારી પરિવારના 43 જેટલા ઘેટા બકરાના મોત થયા હતા.

જામનગરના નથુવડલામાં 43 પશુના મોત થવા અંગે રાજ્ય સરકાર પશુપાલકના વ્હારે આવી છે. સરકારે ટૂંક સમયમાં જ પશુપાલકને સહાય ચૂકવી છે. કેબિનેટમંત્રી રાઘવજી પટેલ નથુવડલા ગામમાં પહોંચ્યાં હતા અને પશુ માલિકને ચેક આપી સહાય ચૂકવી હતી. સાથે સાથે પરિવારને સાંત્વના પણ પાઠવી હતી. આ પ્રસંગે હાજર રહેલા રાઘવજી પટેલે કહ્યું કે પશુ માલિકોએ ચિંતા કરવાની કોઇ જરૂર નથી. કારણ કે રાજ્ય સરકારે પશુપાલકોની મદદ માટે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. મહત્વનું છે કે નથુવડલામાં એક સાથે 43 પશુઓને ફૂડ પોઇઝનિંગની અસર થતાં મૃત્યુ થયા હતા.

ફુડ પોઈઝનિંગથી 43 ઘેટા બકરાના થયા મોત- રાઘવજી પટેલ

રાઘવજી પટેલે જણાવ્યુ કે માલધારી પરિવાર હઠાભાઈ ભરવાડના 43 જેટલા ઘેટા-બકરા ખોરાકમાં ઝેર આવી જતા મૃત્યુ પામ્યા હતા. આ પરિવારના ઘરે જઈ તેમને સાંત્વના પાઠવી છે. તેમજ સરકાર દ્વારા મળવાપાત્ર સહાયનો ચેક અર્પણ કર્યો છે. રાઘવજી પટેલે જણાવ્યુ કે સરકાર દ્વારા પશુપાલકોને મદદરૂપ થવા માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. પશુપાલકોનું જીવનધોરણ ઉંચુ આવે તેમના પશુઓને ઘાસચારો મળી રહે, રહેઠાણ મળી રહે તેમજ પશુ બીમાર હોય ત્યારે સારવાર થઈ શકે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

રાઘવજી પટેલે જણાવ્યુ કે હઠાભાઈની આજીવિકા છીનવાઈ જતા તેમને આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર દ્વારા ત્વરીત રૂ. 70,950ની સહાય અર્પણ કરવામાં આવી છે. પશુપાલકો, ખેડૂતો તેમજ નાનામાં નાના વ્યક્તિને કઈ રીતે મદદરૂપ થવુ તે દિશામાં સરકાર સતત પ્રયત્નરત છે.

Follow us

Click on your DTH Provider to Add TV9 Gujarati