ઈરાન-ઈઝરાયેલ- US જંગની જ્વાળામાં ફસાયા ગુજરાતીઓ, દુબઈમાં અટવાયા અનેક પ્રવાસીઓ તો મક્કામાં ઉમરા માટે ગયેલા હાજીઓમાં ફફડાટ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સીધી અસર ખાડી દેશોમાં વસતા ગુજરાતીઓ પર જોવા મળી રહી છે. દુબઈમાં ફ્લાઈટો રદ થતા સેંકડો પર્યટકો ફસાયા છે, તો બીજી તરફ મક્કા ગયેલા હાજીઓમાં પણ ચિંતાનો માહોલ છે. માંગરોળના યુવકે સાવચેતીના ભાગરૂપે દુબઈ જવાનું ટાળ્યું છે.

| Edited By: | Updated on: Mar 01, 2026 | 6:24 PM

મધ્ય-પૂર્વમાં વણસતી જતી યુદ્ધની સ્થિતિને કારણે વિદેશમાં રહેતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ દુબઈ અને સાઉદી અરેબિયાના મક્કા જેવા શહેરોમાં સ્થિતિ ગંભીર બની છે.

દુબઈમાં ગુજરાતી પર્યટકોની હાલત કફોડી

વડોદરાના શૈલેષ અમીન જેઓ છેલ્લા 10 દિવસથી દુબઈમાં છે, તેમણે જણાવ્યું કે આજે વહેલી સવારે ત્યાં જોરદાર ધડાકાના અવાજો સંભળાયા હતા. ઈરાનની મિસાઈલોને હવામાં જ ઈન્ટરસેપ્ટ થતી નજરે જોઈ હોવાનો તેમણે દાવો કર્યો છે. હાલમાં દુબઈના તમામ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે અને ફ્લાઈટો રદ થતા અનેક પર્યટકો અને બિઝનેસમેન ત્યાં ફસાયા છે. રસ્તાઓ સુમસામ છે અને લોકોને ઘરોમાં જ રહેવાની સૂચના અપાઈ છે.

મક્કામાં ઉમરા માટે ગયેલા હાજીઓમાં તણાવ

બીજી તરફ, પવિત્ર રમજાન માસ દરમિયાન મક્કા ખાતે ઉમરા કરવા ગયેલા વડોદરાના ફારૂક સોનીએ વીડિયો સંદેશ દ્વારા પોતાની ચિંતા વ્યક્ત કરી છે. યુદ્ધની સ્થિતિને કારણે ત્યાં રોકાયેલા હજારો હાજીઓમાં ભયનો માહોલ છે. ઘણા લોકોની દવાઓ અને સામાન હજુ પહોંચ્યા નથી, જેને કારણે વૃદ્ધોની હાલત વધુ ખરાબ થઈ રહી છે. હાજીઓએ વહેલી તકે યુદ્ધ શાંત થાય અને તેઓ સુરક્ષિત વતન પરત ફરે તેવી અપીલ કરી છે.

માંગરોળના યુવકે મુસાફરી મોકૂફ રાખી

આ તરફ સુરતના માંગરોળના પાલોદ ગામનો એક યુવક જે દુબઈમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે, તે બે દિવસમાં પરત દુબઈ જવાનો હતો. પરંતુ ત્યાં રહેતા મિત્રો સાથે વાત કર્યા બાદ અને તંત્ર દ્વારા આખું બિલ્ડિંગ ખાલી કરાવવાની માહિતી મળતા તેણે હાલ મુસાફરી ટાળી દીધી છે.

તમામ ફસાયેલા ભારતીયો અને તેમના પરિવારોએ ભારત સરકારને વિનંતી કરી છે કે તેઓ તાત્કાલિક દખલગીરી કરે અને પર્યટકો તથા બિઝનેસમેનોને સલામત રીતે વતન લાવવાની વ્યવસ્થા કરે.

હોર્મુઝની ખાડી બંધ થતા ભારતની ચિંતા વધી, વાંચવા માટે અહીં ક્લિક કરો