Iran Israel War Breaking : મિડલ ઈસ્ટ સંકટ વચ્ચે ભારતમાં ગેસની ભારે અછત, આ રીતે બચાવો રાંધણ ગેસ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. દેશમાં LPG સિલિન્ડરનું મોટું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે સમજદારીપૂર્વક ગેસનો ઉપયોગ જ એકમાત્ર ઉકેલ છે. આધુનિક ટિપ્સ દ્વારા તમે કેવી રીતે ગેસ બચાવી શકો છો, જાણો આ ખાસ અહેવાલમાં.
મિડલ ઈસ્ટમાં ભભૂકી રહેલા યુદ્ધની જ્વાળાઓ હવે ભારત સુધી પહોંચી છે, જેના કારણે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં LPG ગેસનો પુરવઠો ખોરવાયો છે. આ મુશ્કેલ સમયમાં ટીવી9 ગુજરાતીના “ગેસ બચાવો અભિયાન” દ્વારા નાગરિકોને સમજદારી બતાવવા અપીલ કરવામાં આવી છે. દેશમાં હાલ વીજળીનું કોઈ સંકટ નથી, તેથી ગેસના બદલે ઈલેક્ટ્રિક વિકલ્પો અપનાવવો એ આજના સમયની માંગ છે.
કેવી રીતે બચાવશો ગેસ? અપનાવો આ સ્માર્ટ ટિપ્સ
નાના ફેરફારો દ્વારા આપણે ગેસની મોટી બચત કરી શકીએ છીએ:
પ્રેશર કુકરનો ઉપયોગ: દાળ, ભાત કે શાક બનાવવા માટે હંમેશા કુકર વાપરો, જે સમય અને ગેસ બંને બચાવશે.
અનાજ પલાળીને રાખો: રસોઈ બનાવતા પહેલા દાળ-ચોખા પલાળી રાખવાથી તે ઝડપથી ચઢે છે.
ઢાંકીને રસોઈ કરો: ખુલ્લા પાત્રમાં રસોઈ કરવાને બદલે હંમેશા ઢાંકણનો ઉપયોગ કરો, આનાથી 20% ગેસ બચશે.
ધીમો તાપ અને સ્વચ્છ બર્નર: ધીમા તાપે રસોઈ કરવાથી 25% બચત થાય છે. નિયમિત બર્નર સાફ રાખવાથી ગેસનો બગાડ અટકશે.
વિકલ્પો અને સાવચેતી
જે લોકો પાસે સુવિધા છે તેઓએ ઈન્ડક્શન સ્ટવ કે માઈક્રોવેવનો ઉપયોગ વધારવો જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે, અફવાઓથી દૂર રહો અને જરૂર ન હોય ત્યાં સુધી ગેસ સિલિન્ડરનું એડવાન્સ બુકિંગ કરાવીને બજારમાં કૃત્રિમ અછત ન સર્જવી એ આપણી નૈતિક ફરજ છે.