Breaking News : ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, શું છે ઊંઝા માર્કેટ યાર્ડની સ્થિતિ, જુઓ Video
ઈરાન યુદ્ધને કારણે ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાંના વેપાર પર ગંભીર અસર થઈ છે. છેલ્લા ચાર દિવસમાં જ જીરાંના ભાવમાં પ્રતિ 20 કિલોએ ₹150-200નો ઘટાડો નોંધાયો છે.
ઇરાન યુદ્ધને કારણે ઉભા થયેલા વૈશ્વિક સંકટની અસર હવે ગુજરાતના કૃષિ બજારો સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાંના વેપાર પર તેની સીધી અસર જોવા મળી રહી છે. છેલ્લા ચાર દિવસમાં જ જીરાંના ભાવમાં પ્રતિ 20 કિલોએ અંદાજે 150થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
થોડા દિવસ પહેલા સુધી 4200 રૂપિયા આસપાસ વેચાતું જીરું હવે 3800 રૂપિયા સુધી નીચે આવી ગયું છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં હાલ દરરોજ અંદાજે 17થી 18 હજાર બોરી જીરાંની આવક થઈ રહી છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસની પ્રક્રિયા લગભગ ઠપ બની જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
શિપમેન્ટ અટકી જતા માલભાડામાં વધારો થયો છે અને વેપારીઓના પેમેન્ટ પણ સમયસર મળી રહ્યા નથી. જેના કારણે બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે.
વેપારીઓનું માનવું છે કે હાલ ડોમેસ્ટિક તેમજ ઈન્ટરનેશનલ બંને માર્કેટમાં માંગ નબળી છે. જોકે, આગામી દિવસોમાં જો ભાવમાં હજુ 100થી 200 રૂપિયાનો ઘટાડો થાય તો ચીન સહિત અન્ય દેશોમાંથી ફરી સારી નિકાસ માંગ ઊભી થઈ શકે છે. નિકાસકારો હજુ પણ પરિસ્થિતિ સામાન્ય થવાની આશા રાખી રહ્યા છે.
હાલની પરિસ્થિતિએ ખેડૂતો અને વેપારીઓ બંનેની ચિંતા વધારી છે. હવે સૌની નજર વૈશ્વિક સ્થિતિ પર છે કે યુદ્ધજન્ય માહોલ ક્યારે શાંત પડશે અને ઊંઝાના વેપારને ફરી ગતિ ક્યારે મળશે.
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
