AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડાના કઠલાલના અભરીપુર ગામે  48 કલાક બાદ પણ પૂરના પાણી ન ઓસરતા લોકોની કફોડી સ્થિતિ, જુઓ વીડિયો

ખેડાના કઠલાલના અભરીપુર ગામે 48 કલાક બાદ પણ પૂરના પાણી ન ઓસરતા લોકોની કફોડી સ્થિતિ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 3:11 PM
Share

ખેડાના કઠલાલ તાલુકાના અભરીપુર ગામે છેલ્લા 48 કલાકથી વરસાદી પાણી ભરાયેલા છે. પરંતુ તંત્ર દ્વારા ગામલોકોની કોઈ દરકાર લેવામાં આવી નથી. તંત્રના કોઈ અધિકારી અહીં જોવા સુદ્ધા ફરક્યા નથી. ગામલોકોને જીવનજરૂરી તમામ વસ્તુઓ લાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે

રાજ્યમાં થોડો વરસાદ થતા જ પાણી ભરાઈ જવાની સમસ્યા કોઈ નવી નથી. જ્યાં જુઓ ત્યાં બસ આ જ સમસ્યા જોવા મળે છે. વરસાદ (Rain) પડ્યા બાદની સ્થિતિ દર વર્ષે સામાન્ય લોકો માટે ઘણી પડકારજનક હોય છે. દર વર્ષે લોકોને એ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખેડા (Kheda)ની વાત કરીએ તો કઠલાલ તાલુકાના અભરીપુર ગામે પણ વરસાદ પડ્યા બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની (Water Logging) સમસ્યા સામે આવી છે. સમગ્ર ગામે જાણે જળસમાધિ લીધી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગામમાં રહેલી એકમાત્ર ડેરીમાં પણ દૂધ ન આવતા ગામલોકોને દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુ માટે પણ સંધર્ષ કરવો પડી રહ્યો છે.

48 કલાકથી ભરાયેલા છે પાણી

ગામમાં છેલ્લા 48 કલાકથી એટલા પાણી ભરાયેલા છે કે ક્યાંય પણ જવુ હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસોનું શું તે સવાલનો કોઈ જવાબ નથી. જેમની પાસે ટ્રેક્ટર છે તેઓ જ અન્ય જગ્યાએ અવરજવર કરી રહ્યા છે. જ્યારે અન્ય લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા લાચાર બન્યા છે. વરસાદે વિરામ લીધાના 48 કલાક બાદ પણ પાણી ઓસર્યું નથી.

લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે, ગામમાં દૂધ, રાશન, શાકભાજી જેવી વસ્તુ મેળવવા પણ લોકોને ફાંફાં મારવા પડે છે, સમગ્ર ગામમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયું છે,લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પાણીમાં ચાલીને જવું પડે છે,, બે દિવસથી પાણીના લીધે મુશ્કેલી વેઠી રહેલા ગામલોકો માટે તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. ગામના પશુપાલકો તેમના પશુઓને લઈને ચિંતિત છે. છેલ્લા બે દિવસથી ગામમાં ઘાસચારો પણ મળ્યો નથી જેને લઈને પશુઓ પણ ભૂખના માર્યા ભાંભરડા નાખી રહ્યા છે. દર ચોમાસે ગામમાં આ પ્રમાણે પાણી ભરાય જાય છે.

અનેકવાર તંત્રને રજૂઆત કર્યા છતા પાણીની સમસ્યાનું કોઈ નિવારણ લવાતુ નથી. અભરીપુર છેલ્લા 48 કલાકથી જળમગ્ન બન્યુ છે પરંતુ તંત્રના કોઈ અધિકારી અહીં જોવા સુદ્ધા ફરક્યા નથી. મદદની વાત તો દૂર રહી અહીં કોઈ દરકાર લેવા સુદ્ધા આવ્યુ નથી. હાલ તો આ ગામલોકો ભગવાન ભરોસે છે અને ક્યારે પૂરના પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી- ખેડા

Published on: Jul 25, 2022 03:09 PM
g clip-path="url(#clip0_868_265)">