ચાર ઝડપાયા, સુરતમાં બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, જુઓ Video
સુરત પોલીસે પુણા-ઉમરવાડા વિસ્તારમાં ચાર બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. તબીબી ડિગ્રી વિના ગેરકાયદે પ્રેક્ટિસ કરતા આ શખ્સો પાસેથી 4.90 લાખનો દવાનો જથ્થો જપ્ત કરાયો છે.
સુરત શહેરમાં બોગસ ડોક્ટરો સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઝોન-1 LCB અને પુણા પોલીસે સંયુક્ત રીતે પુણા-ઉમરવાડા વિસ્તારમાં દરોડા પાડી ચાર બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસે કોઈપણ પ્રકારની તબીબી ડિગ્રી ન હોવા છતાં તેઓ વર્ષોથી ગેરકાયદેસર રીતે એલોપેથી પ્રેક્ટિસ કરતા હતા.
પકડાયેલા બોગસ ડોક્ટરો ધોરણ 10 પાસ છે અને તેમની પાસે MBBS કે અન્ય કોઈ મેડિકલ સર્ટિફિકેટ નથી. તેઓ પરપ્રાંતીય હોવાનું અને અગાઉ કમ્પાઉન્ડર તરીકે કામ કરીને પ્રેક્ટિસ શીખ્યા હોવાનું સામે આવ્યું છે. આ પૈકી એક ડોક્ટર 26 વર્ષથી, એક 10 વર્ષથી અને અન્ય એક 8 વર્ષથી ગેરકાયદેસર ક્લિનિક ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હતા. તેમના ગેરકાયદે ક્લિનિક્સ રાજીવનગર, આશાનગર અને ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં ધમધમતા હતા.
પોલીસના દરોડા દરમિયાન, ઘટના સ્થળેથી 4.90 લાખ રૂપિયાનો એલોપેથી દવાઓનો જથ્થો અને મેડિકલ સામાન જપ્ત કરવામાં આવ્યો છે. આ બોગસ ડોક્ટરો વિરુદ્ધ BNS કલમ 125 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 2025માં પણ પુણા પોલીસ સ્ટેશનમાં સમાન પ્રકારનો ગુનો નોંધાયો હતો. આ કાર્યવાહીથી જાહેર આરોગ્યને જોખમમાં મૂકતા તત્વો સામે કડક સંદેશ પહોંચ્યો છે.
રાજકોટ વાળા આવી તમાકુ ખાય છે ! SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ, જુઓ Video
