નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર; ડાંગના વિકાસ માટે ₹150 કરોડના કામોની કરી જાહેરાત

| Edited By: | Updated on: Apr 18, 2026 | 5:27 PM

આહવા ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી સંસ્કૃતિના જતન માટે સમાજનો આભાર માન્યો હતો. તેમણે કોંગ્રેસ પર આદિવાસીઓના યોગદાનને છુપાવવાનો આરોપ લગાવી, માં શબરીના સોગંદ ખાઈને વિરોધીઓને પરાસ્ત કરવા અપીલ કરી હતી.

ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શંખનાદ વચ્ચે આહવા સ્વરાજ આશ્રમ ખાતે ‘વિકાસ સંકલ્પ સભા’ યોજાઈ હતી. આ સભામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આદિવાસી પરંપરા મુજબ સાફો પહેરાવી અને તીર-કમાન આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ડાંગનો આદિવાસી સમાજ માત્ર અંગ્રેજો સામેની લડાઈ માટે જ નહીં, પરંતુ પોતાની સંસ્કૃતિ બચાવવા અને ધર્માંતરણ સામે લડવા માટે પણ જાણીતો છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે હંમેશા ષડયંત્ર રચીને આદિવાસીઓના દેશહિતના સિંહફાળાને દબાવવાનો પ્રયાસ કર્યો છે.

વિકાસના કામોનો ઉલ્લેખ કરતા તેમણે જાહેરાત કરી કે, ડાંગમાં આગામી એક વર્ષમાં ₹150 કરોડના ખર્ચે 126 મોટા રસ્તાઓ બનાવવામાં આવશે. અંતમાં ભાવુક અપીલ કરતા સંઘવીએ કહ્યું કે, “માં શબરીના સોગંદ ખાઈને નક્કી કરો કે ડાંગના દુશ્મનો અને નુકસાન પહોંચાડનારાઓનો એક પણ ‘પંજો’ અહીં નહીં પડે.” તેમણે ડાંગના સર્વાંગી વિકાસ માટે ભાજપને સમર્થન આપવા પ્રાર્થના કરી હતી.

(ઈનપુટ ક્રેડિટ: રોનક જાની)

શું તમે પણ વોટ્સએપ પર આવતા ફાલતુ મેસેજથી કંટાળી ગયા છો? હવે માથાકૂટ ખતમ! જાણો નવા ફીચર વિશે

Follow Us