USA સ્થિત ગુજરાતીઓ દ્વારા ગુજરાતને ઓક્સિજન, કોરોના વેક્સિન, દવાઓ, તબીબી ઉપકરણ સહિતની મદદ કરાશે

વિદેશમાંથી CM રિલીફ ફંડમાં મોકલવામાં આવનાર આર્થિક સહયોગ તેમજ અમેરિકાથી ગુજરાતમાં ( GUJARAT ) મોકલવામાં આવનાર વેક્સિન, ઓક્સિજન સહિત જરૂરી તમામ વસ્તુઓના ઝડપી કસ્ટમ ક્લિયરન્સ માટે બે ઉચ્ચ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે તાત્કાલિક નિમણૂક પણ કરવામાં આવી છે.

| Updated on: Apr 30, 2021 | 3:28 PM

કેલિફોર્નિયા સ્થિતિ GONAના ઉપક્રમે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલ વરચ્યુલ બેઠકમાં અમેરિકાના ગુજરાતીઓ દ્વારા પોતાના વતન ગુજરાત-ગુજરાતીઓને કોરોના મહામારીથી બચાવવા જરૂરી તમામ પ્રકારે મદદ કરવાની ખાતરી ઉચ્ચારવામાં આવી હતી.

અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને વિવિધ મદદ માટે કરાયેલા સૂચનના યોગ્ય સંકલન માટે મુખ્ય પ્રધાન રૂપાણીએ વિદેશમાંથી CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ તેમજ અમેરિકાથી ગુજરાતમાં વેક્સિન, ઓક્સિજન સહિત જરૂરી તમામ બાબતના ઝડપી કસ્ટમ ક્લિયરન્સ માટે બે ઉચ્ચ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે તાત્કાલિક નિમણૂક પણ કરી હતી.

મુખ્ય પ્રધાન રૂપાણીએ ગુજરાતની કોરોનાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારી સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં સંભવત તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવા નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સંક્રમણ અટકાવવા મોટા શહેરોની સાથે સાથે વધુ ૨૯ શહેરોમાં કોરોનાને લઈને રાત્રી કરફ્યુ, SMSનું સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝેશન, કડક પાલન, રાજ્યમાં વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે વિશેષ અભિયાન તેમજ કોરોના ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ઉપર મહત્તમ ભાર મુકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે દૈનિક પોણા બે લાખ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, આજની સ્થિતિએ ગુજરાતમાં હજારો લોકો સરકારી સિવિલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોના સંક્રમિત ગંભીર વ્યક્તિને હવે કોઇપણ વાહનમાં સારવાર માટે આવે તો તેને હોસ્પિટલ પ્રવેશ આપવામાં આવી છે. આપણે સૌ સાથે મળીને કોરોના સંક્રમણ અને મૃત્યુદર ઘટાડવા સક્ષમ છીએ. ગુજરાતના લાખો તબીબો, મેડિકલ સ્ટાફ અને સરકારી કર્મચારીઓ રાત-દિવસ એક કરીને કોરોના સામે લડી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને તબીબી નિષ્ણાતોની મદદ- માર્ગદર્શનથી ગુજરાત સરકાર કોરોનાને હરાવવા સાચી દિશામાં આગળ વધી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.

અમેરિકાના ગુજરાતીઓ દ્વારા પોતાના વતન ગુજરાત-ગુજરાતીઓને કોરોના મહામારીથી બચાવવા જરૂરી તમામ સંશાધનો અને CM રીલિફ ફંડમાં આર્થિક સહયોગ કરવાની પહેલને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આવકારીને પોતાના વતનનું ઋણ અદા કરવાની તૈયારી બદલ ગુજરાતીઓવતી સૌ અમેરિકન ગુજરાતીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">