Gujarati Video : અરવલ્લીના 15થી વધુ ગામોમાં સર્જાઈ પાણીની તંગી, સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી
Arvalli: હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યાં જ પાણી માટેના પોકાર શરૂ થઈ ગયા છે. અરવલ્લીના 15થી વધુ ગામોમાં પાણીની તંગી સર્જાઈ છે. એકતરફ ખેડૂતોને શુદ્ધ પાણી નથી મળી રહ્યુ બીજી તરફ સિંચાઈ માટે પણ પાણી ન મળતા ખેડૂતોનો પાક સુકાવા લાગ્યો છે.
અરવલ્લીના શામળાજીમાં આવેલી મેશ્વો નદી ઉનાળાના પ્રારંભે જ સુકાઈ ગઈ છે. આથી મેશ્વો જળાશયમાંથી નદીમાં પાણી છોડવા માટે કાંઠા વિસ્તારના 15 થી વધુ ગામના પશુપાલકોએ ભવાનપુર પાસેની સૂકી બની ચુકેલી મેશ્વો નદીમાં રામધૂન બોલાવી અનોખી રીતે માગણી કરી છે. એકતરફ મેશ્વો નદી સુકાઈ ગઈ છે જ્યારે કૂવા-બોરમાં પણ જળસ્તર ઉંડા ગયા છે. જેને લઈને સિંચાઈની પણ સમસ્યા ઉભી થઈ છે જ્યારે પશુપાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે.
જિલ્લાના શામળાજી, ગડાદર, બહેચરપુરા, શામળપુર, ખારી, મેરાવાડા, ભવાનપુર, રૂદરડી, સુનોખ સહિતના 15થી વધુ ગામોમાં પાણીની તંગી સર્જાઈ છે. મેશ્વો નદીને કાંઠે આવેલા આ તમામ ગામોમાં ઉનાળાના પ્રારંભે કુવા અને બોરમાં પાણીના જળસ્તર ઉંડા ઉતરી ગયા છે. જેથી પીવાના પાણીની, સિંચાઈના પાણીની અને ઢોર ઢાંખર માટે પણ પાણીની તંગીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
શામળાજી મેશ્વો નદી કાંઠાના ગામોના લોકો મોટાભાગે ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે. ત્યારે ઉનાળાના પ્રારંભે જ પાણીની સમસ્યા સર્જાતા ખેતી થઇ શકે તેમ નથી, પરંતુ ઉનાળાના ચાર મહિના આ ખેડૂતો પશુપાલન ઉપર પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે. ત્યારે પશુપાલન માટે પણ કુવા બોરમાંથી પૂરતું પાણી નહીં મળતા પશુપાલકો પરેશાન બન્યા છે.
આ સ્થિતિમાં સ્થાનિકોની માગ છે કે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તો તેમની સમસ્યા મહદઅંશે ઓછી થાય.. જેથી તંત્ર સુધી તેમની આ રજૂઆત પહોંચે તેવી ઉદ્દેશ્યથી ખેડૂતો અને પશુપાલકોએ મેશ્વો નદીના પટમાં બેસીને રામધૂન પણ બોલાવી હતી.