Gujarati Video: એક મહિનાથી વાળીનાથ ચોકમાં પડેલો ભુવો શહેરીજનો માટે બન્યો માથાના દુ:ખાવા સમાન, લોકોને ફરી ફરીને જવાની પડી રહી છે ફરજ
Ahmedabad: શહેરના વાળીનાથ ચોકમાં છેલ્લા એક મહિનાથી પડેલો ભુવો શહેરીજનો માટે કનડગતનું કારણ બન્યો છે. હજુ એ ભુવો તંત્ર દ્વારા પૂરવામાં આવ્યો ન હતો ત્યાં જ બીજો એક ભુવો પડ્યો છે. આથી ડાયવર્ઝન અપાતા શહેરીજનોને ફરી ફરીને જવુ પડે છે.
Ahmedabad: અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભુવા પડવાનો શરૂ થયેલો સિલસિલો હજુ અટક્યો નથી. વરસાદ પડે અને શહેરીજનો મુશ્કેલીમાં મુકાય તે સમજી શકાય પરંતુ વગર વરસાદે નાગરિકોને હાલાકી ભોગવવી પડે તો તંત્રના માથે ચોક્કસ માછલા ધોવાય જ. આજકાલ આવી જ સ્થિતિનો સામનો શહેરના વાળીનાથ ચોક વિસ્તારના લોકો કરી રહ્યા છે. અહીં છેલ્લા એક મહિનાથી પડેલો ભુવો તંત્ર હજુ પૂરી શક્યુ નથી. આ બાકી હતુ ત્યાં બીજો ભુવો પણ પ્રગટ થઈ ગયો છે અને શહેરીજનોને બેવડી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે
ભુવાને કારણે હેલમેટ બ્રિજ નજીકથી 2 કિલોમીટરનું ડાયવર્ઝન અપાતા લોકો ત્રાહિમામ
ઠેકઠેકાણે ભુવા પડતા ડાયવર્ઝન આપવામાં આવે છે જેના કારણે લોકોને ફરી ફરીને જવાની ફરજ પડે છે. જેમા તેમના સમયનો પણ વ્યય થાય છે અને ટ્રાફિકની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. ત્રણ દિવસ પહેલા વાળીનાથ ચોક નજીક બીજો ભુવો પડતા અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આપ જાણીને ચોંકી જશો કે હેલમેટ બ્રિજ નજીકથી નીચે ઉતરો કે તરત જ 2 કિલોમીટર સુધીનો ડાયવર્ઝન આપવામાં આવ્યો છે. આ 2 કિલોમીટરના ડાયવર્ઝનથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. આસપાસના દુકાનદારો અને વેપારીઓને પણ ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એક જ મહિનામાં બે-બે ભુવા પડ્યા અને તંત્ર દ્વારા મંથરગતિએ કામગીરી ચાલી રહી છે. લોકોની સમસ્યાની જાણે તંત્રને કોઈ ફિકર જ નથી.
આ પણ વાંચો: Ahmedabad: શહેરમાં હેરિટેજ સ્થળોની જાળવણીનો અભાવ, સરખેજ રોજા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય
22 મે થી 30 જૂન સુધીમાં કુલ 62 સ્થળે ભુવા પડ્યા
શહેરમાં આડેધડ ખોદકામ, અણઘડ, આયોજન વગરના કામ એ આજકાલ કોર્પોરેશનની ઓેળખ બની ગઈ છે. હાલ શહેરના અનેક વિસ્તારોમાં ખોદકામ ચાલી રહ્યુ છે અને ઠેકઠેકાણે કામગીરી શરૂ હોવાથી રસ્તા બંધ કરવાની નોબત આવી છે. આ વર્ષે 22 મે થી 30 જૂન સુધીમાં કુલ 62 સ્થળે ભુવા પડ્યા છે. જેમા સામાન્ય વરસાદમાં જ શહેરમાં 25 સ્થળે ભુવા પડ્યા છે. આપને જાણીને કદાચ આશ્ચર્ય થશે પરંતુ એ હકીકત છે કે રથયાત્રાના દિવસે અગાઉ જેનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ તે જગતપુરના નવા બ્રિજ પાસે પણ ભુવો પડ્યો હતો અને તંત્ર દોડતુ થયુ હતુ. જેમા ભુવા આસપાસ બેરકેડિંગ કરવામાં આવ્યુ હતુ.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો