ગાંધીનગરમાં વિધાનસભામાં હાલમાં સત્ર ચાલી રહ્યુ છે. સત્ર દરમિયાન વિધાનસભામાં ધારાસભ્યો અને મુલાકાતીઓ આવતા હોય છે. જો કે સત્ર દરમિયાન ગાંધીનગરમાં સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. વિધાનસભાના પ્રવેશ દ્વાર પર રાખવામાં આવેલી લગેજ સ્કેનર વાન બંધ સ્થિતિમાં જોવા મળી છે. TV9 ગુજરાતીની મુલાકાત દરમિયાન પ્રવેશ કરનારા મુલાકાતીઓના સામાન સુરક્ષાકર્મીઓ મેન્યુઅલી તપાસી રહ્યા હોવાનું જોવા મળ્યુ.
આ પણ વાંચો- Breaking News : અંબાજીમાં પ્રસાદના વિવાદનો આવ્યો અંત, મોહનથાળ અને ચીકી બંને પ્રસાદનું વિતરણ કરાશે
ગુજરાતનો સૌથી સંવેદનશીલ વિસ્તાર ગુજરાત વિધાનસભા છે. જો કે આ સૌથી સંવેદનશીલ વિસ્તારની સુરક્ષામાં જ છીંડા જોવા મળી રહ્યા છે. વિધાનસભામાં ધારાસભ્યો તો હાજર રહેતા જ હોય છે. સાથે સાથે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પણ અહીં આવતા હોય છે. સામાન્ય રીતે અહીં આ તમામની સુરક્ષા માટે વિધાનસભા દ્વાર પર એક લગેજ વાન મુકવામાં આવી છે. જો કે લગેજ વાનમાં સ્કેનર કોઇ કારણોસર બંધ છે. ત્યારે મુલાકાતીઓના સામાનને ત્યાં હાજર કર્મચારીઓ દ્વારા મેન્યુઅલી ચકાસવામાં આવી રહ્યો છે.
હાજર કર્મચારીઓએ જણાવ્યુ હતુ કે તેમણે આ અંગે રજુઆત કરી છે તેમ છતા હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ઓટોમેટિક લગેજ સ્કેનર બંધ હોવાને પગલે સુરક્ષાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે.
(વિથ ઇનપુટ-રોનક વર્મા,ગાંધીનગર)