અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે દાંતા સ્ટેટના રાજવી પરિવારે આ નિર્ણયને મા અંબાના ભક્તોની જીત ગણાવી હતી. મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવાની સરકારની જાહેરાત બાદ દાંતા સ્ટેટના રાજવી પરમવીરસિંહ અંબાજી મંદિર પહોંચ્યા અને મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવ્યું હતું. તેમણે કહ્યું કે લાખો શ્રદ્ધાળુઓની લાગણીને મા અંબાએ સાંભળી અને આ નિર્ણય કરાવ્યો છે.
અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યુ છે. આજે ગાંધીનગરમાં અંબાજી મંદિર ટ્રસ્ટના સભ્યોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે બેઠક મળી હતી. જે પછી આ વિવાદનો અંત આવ્યો છે અને મોહનથાળના પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાત્કાલિક ધોરણે પ્રસાદ શરૂ કરવાનું સૂચન કરવામાં આવ્યુ છે.
અંબાજી મંદિરમાં છેલ્લા 12 દિવસથી મોહનથાળના પ્રસાદનું વિતરણ બંધ કરવામાં આવ્યુ હતુ. અહીં આવતા દરેક ભક્તોની લાગણી હતી કે અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રાખવામાં આવે. ત્યારે આ મામલામાં અંતે સરકારે મધ્યસ્થી કરી છે. ગાંધીનગરમાં બપોરે અંબાજી મંદિરના સંચાલકોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક મળી હતી. જેમાં મંદિરમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.