રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મામલતદાર ટીમે ખનીજચોરી કરતા લોકો સામે સપાટો બોલાવ્યો છે અને બે દિવસમાં જ તંત્રએ 48 લાખ રૂપિયાના વાહનો, રેતીનો જથ્થો જપ્ત કર્યો છે. ઉપલેટાના નાગવદર ગામે વેણુ નદીમાંથી 12.60 લાખના રેતી ભરેલા ટ્રેક્ટર, 1 ડમ્પર બે મોટર સાઈકલને ઝડપી પાડ્યા હતા.
ત્યારબાદ બીજા દિવસે વરજાંગ જાળીયા ગામ પાસે વેણુ નદીમાં ચેકિંગ કરીને 24.50 લાખનો જથ્થો ઝડપ્યો હતો. આ ઉપરાંત પોરબંદર હાઈવે પર ઓવરલોડ રેતી સાથેના 1 ડમ્પરને ડીટેન કરાયું હતું. આ વાહનો અને અન્ય મિલકતના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મામલતદારની કડક કાર્યવાહીના પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
નોંધનીય છે કે આજે વિધાનસભાના સત્રમાં ખનીજ ચોરી અંગેના મહત્વના આંકડા આપવામાં આવ્યા હતા. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65918 લાખની ખનીજ ચોરી પકડાઈ હતી અને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના 40, 483 કેસ નોંધાયા છે ખનીજ ચોરીની અન્ય વિગતો આ પ્રમાણે છે.
વર્ષ 2018 – 19માં રાજ્યમાં ખનીજ ચોરીના 7734 કેસ નોંધાયા જેમાં રૂ. 10988.42 લાખની વસુલાત કરાઈ
વર્ષ 2019 – 20માં રાજ્યમાં ખનીજ ચોરીના 7446 કેસ નોંધાયા જેમાં રૂ. 10634.61 લાખની વસુલાત કરાઈ
વર્ષ 2020 – 21માં રાજ્યમાં ખનીજ ચોરીના 7155કેસ નોંધાયા જેમાં રૂ. 10322.84 લાખની વસુલાત કરાઈ
વર્ષ 2021 – 22માં રાજ્યમાં ખનીજ ચોરીના 8672 કેસ નોંધાયા જેમાં રૂ. 14064.26 લાખની વસુલાત કરાઈ
વર્ષ 2022 – 23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ નોંધાયા જેમાં રૂ. 19907.86 લાખની વસુલાત કરાઈ