Gujarati Video : મોહનથાળનો પ્રસાદ 48 કલાકમાં શરૂ કરવા સ્થાનિકોની માંગણી, અંબાજી બંધ રાખવાની આપી ચીમકી, જુઓ Video
અંબાજીમાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મંદિર દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાનને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે.
છેલ્લા બે દિવસથી અંબાજી મંદિર ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. જેની ગત રોજ પુષ્ટિ થઈ હતી અને મંદિર દ્વારા હવે મોહનતાળને બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે વર્ષોથી અપાતા મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા ભક્તોમાં નિરાશા જોવા મળી હતી સાથે સાથે આ નિર્ણયનો ગ્રામજનો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે.
હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
અંબાજીમાં હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને મંદિર દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાનને 48 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. તેમજ 48 કલાકમાં મોહનથાળનું વિતરણ ફરીથી ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સાથે જ હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દે અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો તેઓ તમામ રીતે તૈયાર છે.