સુરતમાં માવઠાએ વેર્યો વિનાશ, તાપીના જળસ્તરમાં વધારો થતા છઠ્ઠ પૂજા માટે બનાવેલી યજ્ઞવેદીઓ થઈ પાણીમાં ગરકાવ- જુઓ Video
સુરતમાં ઉપરવાસ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે તાપી નદી બેકાંઠે વહેતી થઈ છે. આ પછી ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. બીજીબાજુ સતત વરસતા વરસાદને કારણે ડાંગરના પાકમાં ભેજ આવી ગયો છે, જેના કારણે પાકની ગુણવત્તા ઘટી ગઈ છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉપરવાસ વિસ્તારમાં સતત વરસાદી માહોલ સર્જાયો છે, જેના કારણે તાપી નદી બેકાંઠે વહેતી થઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાંથી હાલ લગભગ 46,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે.
પ્રશાસને સાવચેત રહેવાની અપીલ કરી
આ પાણી છોડવાથી નદીનું જળસ્તર ઝડપી ગતિએ વધતું જઈ રહ્યું છે, જેના પરિણામે સિંગણપોર નજીક આવેલ કોઝવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હાલ કોઝવેની સપાટી 7.33 મીટર સુધી પહોંચી ગઈ છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. જળસ્તર વધતા પ્રશાસને તાપી નદીના કિનારે રહેનારા લોકો તથા પ્રવાસીઓને સાવચેત રહેવાની અપીલ કરી છે.
જળસ્તરમાં વધારો થવાની સંભાવના
તાપી નદીના કિનારેથી લોકોને અવર-જવર ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉપરવાસમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે, જેથી આગામી કલાકોમાં તાપી નદીના જળસ્તરમાં વધુ વધારો થવાની શક્યતા છે.
ડાંગરના પાકમાં ભેજ આવી ગયો
સુરત જિલ્લામાં માવઠાથી ડાંગરના પાકને ભારે અસર પહોંચી છે. સતત વરસતા વરસાદને કારણે ડાંગરના પાકમાં ભેજ આવી ગયો છે, જેના કારણે પાકની ગુણવત્તા ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં ડાંગરની ખરીદી કરતી વિવિધ મંડળીઓએ પોતાની ખરીદી તાત્કાલિક બંધ કરી દીધી છે.
ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું
જહાંગીરપુરાની પુરૂષોતમ ફાર્મર્સ મંડળી સહિત અન્ય મંડળીઓએ પણ ગોડાઉન ફુલ થઈ જતા ડાંગર લેવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. હાલ સુધી મંડળી પર આશરે 75 હજાર ગુણી ચોમાસું ડાંગરની આવક થઈ ચૂકી છે. વરસાદમાં પલળી ગયેલા ડાંગરને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ખેડૂતોની માગ છે કે, સરકાર તાત્કાલિક આર્થિક પેકેજ જાહેર કરે અને નુકસાનની ભરપાઈ કરે, જેથી તેમને થોડી રાહત મળી શકે.
