Gujarat Weather Breaking: કાળજાળ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી, હાલ તાપમાનમાં નહીં થાય કોઈ ઘટાડો
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તો બીજી તરફ રાજ્યના તાપમાનમાં હાલ કોઈ ફેરફાર થવાના સંકેત દેખાઈ નથી રહ્યા.
હાલ રાજ્યમાં ધોમધખતો તાપ પડી રહ્યો છે અને લોકો કાળજાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ રાજ્યમાં તાપમાનનો પારો યથાવત્ રહેશે. તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ સંભાવના નથી. હવામાન વિભાગના અનુસાર રાજ્યમાં હજુ 40 થી 42 ડિગ્રીની વચ્ચે તાપમાન રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રીએ તાપમાનનો પારો રહેવાનું અનુમાન છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 42 ડિગ્રી રહી શકે છે.
આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની પણ શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને રાજકોટમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે. તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને નર્મદામાં વરસાદ પડી શકે છે. સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. આવતીકાલથી રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે.