સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, શૈક્ષણિક સંસ્થામાં શ્વાનનો સર્વે કરવા સૂચના, સરકાર-વિપક્ષ આમને સામને
વસ્તી ગણતરી પછી હવે શિક્ષકોને રખડતા શ્વાનોની સંખ્યા નોંધવાની ફરજ સોંપતા નવો વિવાદ ઉભો થયો છે. તાજેતરમાં બહાર પડેલા પરિપત્રને પગલે રાજકીય સ્તરે તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. શિક્ષકો પર વધારાની જવાબદારી અંગે ચર્ચા શરૂ થઈ છે.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શૈક્ષણિક સંસ્થાઓમાં રખડતા શ્વાન મુદ્દે કાર્યવાહી કરવામાં આવશે. તમામ શાળાઓને રખડતા શ્વાનો અંગે અહેવાલ તૈયાર કરવાની સૂચના આફવામાં આવી છે. શાળા કેમ્પસમાં રખડતા શ્વાનની વિગતવાર માહિતી એકત્ર કરવા આદેશ અપાયો છે. શાળાના આચાર્યને 3 દિવસમાં અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ અપાયો છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે લીધા કડક પગલા.
આ નિર્ણય બાદ રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર આક્ષેપ કર્યો છે કે, શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવી યોગ્ય નથી. પક્ષના નેતાઓએ જણાવ્યું છે કે, પહેલાથી જ શિક્ષકો પર વહીવટી અને સર્વે જેવી અનેક બિનશૈક્ષણિક જવાબદારીઓનો બોજ છે. આવા કાર્યો શિક્ષણની ગુણવત્તા પર અસર કરી શકે છે. કોંગ્રેસનું કહેવું છે કે શિક્ષકો પાસેથી “શરમજનક” અથવા તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે તેવી કામગીરી ન કરાવવી જોઈએ અને રખડતા શ્વાનો જેવી નગરસેવાઓ સંબંધિત કામગીરી માટે સ્થાનિક નગરપાલિકા તંત્ર જ જવાબદાર હોવું જોઈએ.
કેટલાક શિક્ષક સંગઠનોમાં પણ આ મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે ચૂંટણી, જનગણના, સર્વે, આરોગ્ય અભિયાન જેવી બિનશૈક્ષણિક ફરજો પહેલેથી જ શિક્ષણકાર્યને અસર કરે છે. વધુ જવાબદારીઓ ઉમેરવાથી શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી ઉભી થઈ શકે છે.
શિક્ષણ પ્રધાને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને આધારહીન ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર કોઈ નવી કે વધારાની જવાબદારી શિક્ષકો પર મૂકી રહી નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના માર્ગદર્શનોને ધ્યાનમાં રાખીને મર્યાદિત સ્તરે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. પ્રધાને જણાવ્યું કે શિક્ષકોને માત્ર તેમની શાળાના પરિસર સુધી જ માહિતી સંકલન કરવાની રહેશે અને આ કાર્ય શિક્ષણ પ્રક્રિયાને અસર કરે તે રીતે નહીં હોય. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળા પરિસરમાં સ્વચ્છતા જાળવવાના હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે.
શાળા કેમ્પસમાં રખડતા શ્વાનોની સમસ્યા ગંભીર છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તે અવગણવી શક્ય નથી. છતાં હકીકત એ છે કે રાજ્યની અનેક સરકારી શાળાઓમાં સ્ટાફની અછત છે અને ઘણી જગ્યાએ માત્ર એક જ શિક્ષક પર આખી શાળાની જવાબદારી હોય છે.
આવા સંજોગોમાં તે શિક્ષકને પાઠ્યક્રમ પૂર્ણ કરવો, વહીવટી કામકાજ સંભાળવું, વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સહિતની ફરજો નિભાવવી અને સાથે અન્ય વધારાની જવાબદારીઓ પણ સંભાળવી પડે છે. પરિણામે, શૈક્ષણિક ગુણવત્તા અને અન્ય કામગીરી વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની શકે છે.
આથી મુખ્ય પ્રશ્ન એ ઉભો થાય છે કે મર્યાદિત માનવસંસાધનો વચ્ચે શિક્ષક શિક્ષણ કાર્યને પ્રથમ પ્રાથમિકતા આપીને અન્ય ફરજો કેટલી અસરકારક રીતે નિભાવી શકશે.
આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો