ચાણસ્મામાં ટોળાના હુમલાથી ભાગેલ 8 પોલીસ સસ્પેન્ડ થયા બાદ, આજે આરોપીને પકડીને જાહેરમાં સરભરા કરી, જુઓ વીડિયો
પાટણના ઝીલિયા ગામે પોલીસ વાન પર પથ્થરમારો કરી આતંક મચાવનાર 18 ખંડણીખોર તત્વોને પોલીસે દબોચી લીધા છે. જે ગુંડાઓના ડરથી પોલીસ પલાયન થઈ હતી, આજે એ જ ગુંડાઓ જાહેરમાં હાથ જોડી માફી માંગતા જોવા મળ્યા.
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે 15 માર્ચના રોજ ખેલાયેલા લોહિયાળ ખેલ અને ગેંગવોરના મામલે પોલીસે લુખ્ખા તત્વો સામે લાલ આંખ કરી છે. પોલીસ પર હુમલો કરનાર અને કાયદો હાથમાં લેનાર 18 આરોપીઓને ઝડપી પાડી પોલીસે તે જ સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું અને જાહેરમાં કાયદાના પાઠ ભણાવ્યા હતા. એક સમયે તલવારો અને ધારીયા સાથે આતંક મચાવનારા આ શખ્સો આજે પોલીસ સામે હાથ જોડીને કરગરતા જોવા મળ્યા હતા.
પોલીસની આબરૂ પર લાગ્યો હતો દાગ
ઘટનાના દિવસે જ્યારે ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ પર હુમલો થયો, ત્યારે મદદ માટે પહોંચેલી પોલીસની 112 વાન પર ગુંડાઓએ બેફામ પથ્થરમારો કર્યો હતો. ચોંકાવનારી બાબત એ હતી કે પોલીસ ગુંડાઓનો સામનો કરવાને બદલે ત્યાંથી પલાયન થઈ ગઈ હતી. આ શરમજનક ઘટનાને પગલે ચાણસ્મા પોલીસ મથકના PI, ASI સહિત 8 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પોતાની આબરૂ બચાવવા માટે હવે પોલીસે ખંડણીખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
ખુદ પોલીસ બની ફરિયાદી
આ સમગ્ર કેસમાં બે FIR દાખલ કરવામાં આવી છે, જેમાં પોલીસ પોતે જ ફરિયાદી બની છે. પકડાયેલા 18 આરોપીઓ સામે પોલીસ પર હુમલો અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધાયો છે. જોકે, હજુ પણ મુખ્ય ખંડણીખોર શખ્સો પોલીસ પકડથી દૂર છે. હાલમાં પોલીસે ઝીલિયા અને વામૈયા પંથકમાં પોતાનો દબદબો કાયમ કરવા માટે આ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું, જેથી ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ગુજરાત પોલીસની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદો હાથમાં લેનારાઓને છોડવામાં નહીં આવે. હવે જોવાનું એ રહેશે કે મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ ક્યારે પહોંચે છે?