Breaking News : સુરતના માન દરવાજામાં મંદિર ડિમોલિશન, SMC કાર્યવાહી પર ઉગ્ર વિવાદ
સુરતના માન દરવાજા સ્થિત ખાજા નગરમાં SMC દ્વારા મંદિર તોડવામાં આવતા વિવાદ સર્જાયો છે. સ્થાનિકોના મતે, ગંદકી દૂર કરી આ સ્થળે મંદિર નિર્માણ થયું હતું.
સુરતમાં માન દરવાજા વિસ્તારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા એક મંદિરના ડિમોલિશનને લઈને ભારે વિવાદ સર્જાયો છે. ખાજા નગર વિસ્તારમાં સવારે 6 વાગ્યે SMCની ટીમે કાર્યવાહી કરતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે અગાઉ ગંદકી અને કચરાના ઢગલા હતા. સ્થાનિકોએ જ સ્વયંભૂ સફાઈ કરીને ત્યાં મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિરમાં ગણપતિ ઉત્સવ અને નવરાત્રી જેવા ધાર્મિક કાર્યક્રમો નિયમિતપણે યોજાતા હતા, અને આગામી નવરાત્રી માટે પણ સ્થાનિકો તૈયારીઓ કરી રહ્યા હતા.
સ્થાનિકોનો આક્ષેપ છે કે કોઈની અરજીના આધારે આ ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, કાર્યવાહી દરમિયાન માતાજીની મૂર્તિઓ લઈ જવામાં આવી હોવાનો પણ સ્થાનિકોએ દાવો કર્યો છે. તેઓએ તાત્કાલિક મૂર્તિઓ પરત આપવાની માગણી કરી છે. કચરાના ઢગલા હટાવીને બનેલા મંદિરને તોડવામાં આવતા સ્થાનિકોમાં વ્યાપક નારાજગી અને આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ સુરતમાં નવો વિવાદ છેડ્યો છે.
સુરતમાં નકલી સાબુના ગોડાઉનનો પર્દાફાશ, 2 હજાર બોક્સ જપ્ત, જુઓ Video

