ગીરસોમનાથના સૂત્રાપાડામાં 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, મેઘતાંડવના જુઓ આકાશી દૃશ્યો- Video
ગીર સોમનાથના સુત્રાપાડામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યુ છે. સૂત્રાપાડામાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર પંથકમાં 24 કલાકમાં 21 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગીરસોમનાથના સૂત્રાપાડામાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. ચારેકોર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રાપાડામાં મેઘતાંડવના આકાશી દૃશ્યો સામે આવ્યા છે. ઝાલા, વડોરા ગામના આકાશી દૃશ્યો સામે આવ્યા છે જ્યાં હજારો વીઘા ખેતરો પાણીમાં તરબોળ થયા છે. સર્વત્ર પાણી ના દૃશ્યો સામે આવ્યા છે. 24 કલાકમાં સૂત્રાપાડામાં 21 ઈંચ વરસાદ ખાબક્યો છે.
આ તરફ વેરાવળમાં પણ 30 કલાકમાં 20 ઈંચ વરસાદ ખાબકી જતા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વોર્ડ નંબર 5માં અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. પાણીનો નિકાલ થતા પરિસ્થિતિ વિકટ બની છે.
ગીરસોમનાથ અને આસપાસના જિલ્લામાં ભારે વરસાદને પગલે મહત્વના બંદરો પર એલર્ટ નું સિગ્નલ લગાવાયુ છે. પોરબંદર અને વેરાવળ પર પોર્ટ પર ચેતવણીજનક સિગ્નલ લગાવાયું છે.
ભારે પવનની આગાહીને પગલે 3 નંબરનું સિગ્નલ ફરકાવાયું છે. જાફરાબાદ બંદર પર પણ 3 નંબર સિગ્નલ લગાવાયુ છે. માછીમારો અને હોડી સંચાલકોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયામાં હવામાન બગડવાની શક્યતા છે. માછીમારોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.