ગીરના જંગલમાં માતૃત્વનો અદ્ભુત નઝારો, સિંહણે હરણના માસૂમ બચ્ચાનો જીવ બચાવ્યો – જુઓ Video
જૂનાગઢના ગીર અભયારણ્યમાંથી એક અનોખો વીડિયો સામે આવ્યો છે, જેને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મિહિર પટેલે પોતાના કેમેરામાં કેદ કર્યો છે. વીડિયોમાં એક સિંહણ હરણના બચ્ચાનો શિકાર કરવાને બદલે તેને પોતાના મોંમાં ઊંચકીને જંગલની અંદર સુરક્ષિત જગ્યાએ મૂકી આવતી જોવા મળે છે.
જૂનાગઢના ગીર અભયારણ્યમાંથી માતૃત્વની લાગણી દર્શાવતો એક અદ્ભુત વીડિયો સામે આવ્યો છે, જેને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર મિહિર પટેલે પોતાના કેમેરામાં કેદ કર્યો છે. સામાન્ય રીતે સિંહ હરણને જોતાં જ તેનો શિકાર કરી લેતો હોય છે. જો કે, આ કિસ્સામાં એક સિંહણે હરણના માસૂમ બચ્ચાનો શિકાર કરવાને બદલે તેને પોતાના મોંમાં ઊંચકીને જંગલમાં સુરક્ષિત જગ્યાએ દૂર મૂકી આવી હતી.
આટલું જ નહીં, જ્યારે બીજો સિંહ તે બચ્ચાની નજીક આવ્યો ત્યારે સિંહણે ઘૂરકીને તેને પણ ત્યાંથી ભગાડી દીધો હતો. આ દ્રશ્યો પરથી કવિતાની પંક્તિ “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ” સાચી ઠરે છે, કારણ કે માતાનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે.
ફોટોગ્રાફર મિહિર પટેલે આ અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે, માતૃત્વની લાગણીથી ભરેલા આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે અને તેને જીવનમાં ક્યારેય ભૂલી શકાય તેમ નથી.
