જુનાગઢમાં કમોસમી વરસાદની ભીતિ, શિયાળુ પાક ઘઉં, ધાણા, જીરુના પાકમાં જીવાત પડવાની શક્યતા

જુનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી વાદળછાયુ વાતાવરણ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભર શિયાળે વાદળછાયા વાતાવરણને પગલે કમોસમી વરસાદ થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના કારણે ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2022 | 11:42 PM

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભર શિયાળામાં કમોસમી વરસાદ પડે તો શિયાળુ પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. ખાસ કરીને ઘઉં, જીરુ ધાણા જેવા પાકમાં તેની અસર વર્તાઈ શકે છે. આ વર્ષે પણ ખેડૂતો માટે કુદરતે થોડી મુશ્કેલી ઉભી કરી હોય એવું લાગી રહ્યું છે. એક તરફ શિયાળુ પાક ઘઉં, જીરુ, ધાણા જેવા પાકમાં વૃદ્ધિનું પ્રમાણ ઘટ્યું છે બીજી તરફ જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. જેને કારણે ખેડૂતોએ પેસ્ટીસાઈડ્સ દવાનો છટકાવ વારંવાર કરવો પડી રહ્યો છે. વળી શિયાળાની ઋતુમાં જોઈએ એટલી ઠંડી પણ નથી પડી રહી એ જોતાં ગરમીનો પારો વધુ છે. આ સ્થિતિમાં ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ભીતિ છે.

કમોસમી વરસાદથી પાકમાં સુસીયા જીવત થવાની શક્યતા

આ તરફ કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતો કહે છે કે ગત વર્ષે પણ ચારથી પાંચ માવઠા થયા હતાં અને વર્ષે પણ સૌરાષ્ટ્રમાં માવઠાની અસર જોવા મળી છે. જેની અસર શિયાળુ પાકમાં દેખાય એ સ્વાભાવિક છે. નિષ્ણાતોના મતે સુસીયા પ્રકારની જીવાત અને પાકમાં અનેક રોગ પણ આવી શકે છે. જીરુ અને ધાણા જેવા પાકમાં ભુકી સારા નામનો રોગ પણ આવી શકે છે. આમ બાગાયતી પાક આંબામાં પણ રોગ આવવાની શક્યતા તેઓ જોઈ રહ્યા છે. જોકે એની સામે સાવચેતીરૂપે જાણકારોની એ પણ સલાહ છે કે ખેડૂતોએ પેસ્ટીસાઈડ દવાનો છંટકાવ કરી પાકની જાળવણી કરવી જરૂરી છે. તો જ આ રોગથી બચી શકાય એમ છે.

આમ નિષ્ણાતો સાવચેતી અને દવાના છંટકાવની સલાહ આપી રહ્યા છે. જોકે માવઠું થાય અને કમોસમી વરસાદ પડે તો સ્થિતિ ઓર વણસી શકે એમ છે, ત્યારે ખેડૂતો હવે કુદરત રૂપ બદલવાને બદલે તેની કૃપા વરસાવેલી રાખે તેમ ઈચ્છી રહ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">