જૂનાગઢમાં ડબલ મર્ડર કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. મુખ્ય આરોપી આસિફ ચૌહાણના નાનપણના મિત્ર ઇકબાલ શેખને પોલીસે ઝડપી પાડ્યો છે. ઘટનાની વાત કરીએ તો આરોપી આસિફ ચૌહાણને મૃતકની પત્ની સાથે પ્રેમસંબંધ હતો અને તે તેની સાથે લગ્ન કરવા માગતો હતો પરંતુ મૃતક રફીક તેમા અડચણરૂપ હતો. આ કારણે આરોપીએ મૃતકની પત્ની સાથે મળીને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. આ પ્લાનના અનુસંધાને અત્યારે ઝડપાયેલ આરોપી ઈકબાલ આઝાદે અમદાવાદની ઉમા કેમિકલ નામની કંપનીમાંથી સાડીમાં ચમક લાવવાના બહાને સાઇનાઇડ મંગાવી આપ્યુ હતુ. બાદમાં આરોપીએ મૃતકની સોડાની બોટલમાં સાઇનાઇડ ભેળવી હત્યાને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે આરોપી ઇકબાલ શેખને ઝડપી આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે.
થોડા દિવસ અગાઉ જૂનાગઢમાં જ ઝેરી પીણુ પીવાથી બે વ્યક્તિના મોત થયા હતા. આ ઘટનામાં પણ ખૂલાસો થયો હતો કે બંનેના મોત ઝેરી પીણુ પીવાને કારણે નહીં પરંતુ બંને વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. બંને મૃતકો રીક્ષા ચાલક હતા. ગત 28 નવેમ્બરે આ બંને રિક્ષાચાલકોના મોત થયા હતા. કોંગ્રેસે આ સમગ્ર ઘટનાને લઠ્ઠાકાંડ ગણાવ્યો હતો. જોકે પોલીસે પોસ્ટ મોર્ટમ કર્યા બાદ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં બંને રિક્ષાચાલકોની હત્યા થઈ હોવાની વિગતો સામે આવી હતી.
આ ઘટનામાં જૂનાગઢના એસ.પી. રવિતેજા વાસમશેટ્ટીએ ખુલાસો કર્યો હતો કે જે બે વ્યક્તિના મોત ઝેરી પીણું પીવાને કારણે થયા છે તે પદાર્થ લઠ્ઠો નથી. એસ.પી.એ જણાવ્યું હતું કે મૃતકોના FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. ઝેરી પીણું પીધા બાદ મોતને ભેટેલા બંને વ્યક્તિ રિક્ષા ચાલક હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જૂનાગઢના ગાંધી ચોક વિસ્તારમાં રિક્ષા સ્ટેન્ડ પર આ ઘટના બની હતી. જેમાં બે વ્યકિતના શંકાસ્પદ સ્થિતિમાં મોત સામે આવ્યા હતા.