દ્વારકા: ખંભાળિયા-આહીર સિંહણ માર્ગની બિસ્માર હાલતથી ગ્રામજનોમાં રોષ, ચોમાસા પહેલા કામ પૂર્ણ કરવાની માંગ
દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી આહીર સિંહણ ગામને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ત્રણ મહિનાથી અધૂરો હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ ચોમાસા પહેલા રોડનું કામ પૂર્ણ નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની ચેતવણી આપી છે.
દ્વારકા જિલ્લાના ખંભાળિયાથી આહીર સિંહણ ગામને જોડતો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ આસપાસના લગભગ 10 ગામોને જોડતો મહત્વપૂર્ણ રસ્તો હોવાથી દરરોજ હજારો વાહનચાલકો અને રાહદારીઓ અહીંથી અવરજવર કરે છે. છેલ્લા ત્રણ મહિનાથી રોડનું નવીનીકરણ કાર્ય અધૂરું રહેતાં લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરે રોડનું કામ અધવચ્ચે જ છોડી દીધું છે, જેના કારણે માર્ગ પર માત્ર કપચી અને ધૂળનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પરિણામે વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, જ્યારે રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મુદ્દે આહીર સિંહણ ગામના ગ્રામજનો રસ્તા પર ઉતર્યા હતા અને તંત્ર સામે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ ચોમાસા પહેલા તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જો વરસાદ પહેલા કામ પૂર્ણ નહીં થાય તો સમગ્ર માર્ગ કાદવ અને કીચડમાં ફેરવાઈ જશે.
ગ્રામજનોએ તંત્રને ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં તેમની માંગ નહીં સંતોષાય તો ઉગ્ર રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવશે.
ભાવનગર: અલંગ દરિયામાં કાળું ઝેરી પ્રવાહી કોણે ઠલવ્યું? 30 કલાક બાદ પણ તંત્ર મૌન
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
