એકતરફ કોમનવેલ્થના સપના, બીજીતરફ સ્પોર્ટ્સ સંકુલમાં ‘ધૂળ અને દારૂની બોટલો’નો અડ્ડો!- જુઓ Video
કરોડોના ખર્ચે બનેલા મેદાનોની જાળવણીમાં મનપાની ઘોર ઉદાસીનતા; રિવરફ્રન્ટ સ્કેટિંગ રિંગ અને ચાંદખેડા ટેનિસ કોર્ટની હાલત બદતર.
અમદાવાદ શહેર અત્યારે એક તરફ કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હાલત અત્યંત દયનીય જોવા મળી રહી છે. શહેરના રિવરફ્રન્ટ પર આવેલી સ્કેટિંગ રિંગ આજે ખેલાડીઓને બદલે કબૂતરોનું રહેઠાણ બની ગઈ છે. સાફ-સફાઈના અભાવે આધુનિક સુવિધાઓ ધૂળ ખાઈ રહી છે, જે તંત્રની ઉદાસીનતા સ્પષ્ટ કરે છે.
પરિસ્થિતિ માત્ર રિવરફ્રન્ટ પૂરતી મર્યાદિત નથી, ચાંદખેડામાં લાખોના ખર્ચે બનેલા ટેનિસ કોર્ટમાં પણ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ ખેલ પરિસરમાં દારૂની બોટલો પણ મળી આવી છે. એકતરફ દેશનું નામ રોશન કરવાના સપના જોતા ખેલવીરો અહીં પ્રેક્ટિસ કરવા મજબૂર છે, તો બીજીતરફ સત્તાધીશો પુરતી સુવિધા હોવાના દાવા કરી રહ્યા છે. વિપક્ષે પણ આ મામલે મનપાને ઘેરતા સવાલો ઉઠાવ્યા છે કે જો જાળવણી જ નથી કરવી તો કરોડોના ખર્ચે આવા મેદાનો બનાવવાનો અર્થ શું?
