ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, જ્ઞાતિવાદ અને અન્ય શિક્ષકોને ટોર્ચર કરાતા હોવાથી ગ્રામજનોમાં રોષ
ભાવનગરના મહુવા તાલુકાના ડોળિયા ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે. ગામલોકોનો આરોપ છે કે શાળાના આચાર્ય દ્વારા જ્ઞાતિવાદ ફેલાવવામાં આવે છે અને અન્ય શાળાના જૂના શિક્ષકોને પ્રતાડિત કરતા હોવાથી શાળાને તાળાબંધી કરવામાં આવી છે.
ભાવનગરના મહુવા તાલુકાના ડોળિયા ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દેવાતા 456 વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહ્યા છે. આચાર્ય દંપતી અને ગામલોકોના વિવાદ વચ્ચે શાળાને તાળાબંધી કરવામાં આવી છે. ગામલોકોનો આરોપ છે કે શાળામાં આચાર્ય દ્વારા જ્ઞાતિવાદ કરવામાં આવે છે અને જુના શિક્ષકોને હેરાન કરવામાં આવે છે. જેના કારણે ગામલોકોએ આચાર્ય દંપતીની બદલીની માગ કરી છે અને જ્યા સુધી બદલી નહીં કરાય ત્યા સુધી શાળાને ખોલવામાં નહીં આવે.
બીજી તરફ આચાર્યનું કહેવું છે કે SMCના સભ્યો ગેરવર્તન કરે છે અને મારા વિરૂદ્ધ ગામમાં ખોટો પ્રચાર કરે છે. તો, આચાર્યએ દોષનો ટોપલો SMCના માથે મૂક્યો છે. આચાર્યએ શિક્ષકો સામે પણ આક્ષેપ લગાવ્યા અને કહ્યું કે જ્ઞાન સહાયકો નિયમિત શાળામાં નહોતા આવતા. તેઓ વર્ગમાં જવાના બદલે અન્ય પ્રવૃતિઓ કરતા જેથી શિક્ષકોએ જૂથ બંદી કરીને મારા વિરુદ્ધ ખોટો પ્રચાર કર્યો.
વધુમાં SMCના એક સભ્યએ પણ આચાર્ય વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. તેમના કહેવા મુજબ 15 મી ઓગસ્ટના દિવસે વિદ્યાર્થીઓએ દેશનો નક્શો દોર્યો હતો. ત્યારે આચાર્ય ભરતગીરી નક્શા ઉપરથ ચાલી ગયા હતા અને જુના શિક્ષકનો કોલર પકડીને દાદાગીરી કરી હતી. શિક્ષક થઈને દેશના નક્શાનું અપમાન કર્યુ. વધુમાં તેમણે ઉમેર્યુ કે જો બે દિવસમાં આચાર્યની બદલી નહીં થાય તો ટીપીઓની ઓફિસની સામે વિદ્યાર્થીઓને બેસાડીને શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. શાળાને તો ખોલવામાં જ નહીં આવે.