ધૂળિયા ધોરાજીની ઓળખ ધરાવતા શહેરની હાલની સ્થિતિ અંગે શું કહી રહ્યા છે ધોરાજીવાસીઓ- જાણો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે એક સમયે ધૂળિયા ધોરાજી તરીકે ઓળખાતા ધોરાજીની હાલ શુ સ્થિતિ છે તે જાણવાનો હવે સમય આવી ગયો છે.
ધોરાજી નગરપાલિકામાં કૂલ 36 સીટ છે. જેમાથી ગત ચૂંટણીમાં કોંગ્રેસે 22 સીટ જીતી જ્યારે ભાજપને ભાગે 14 સીટ આવી હતી. આ તમામ સીટ પર કૂલ 62 હજાર મતદારો તેમના મતાધિકારનો પ્રયોગ કરશે. ધોરાજીનીરાજકીય સમીકરણની વાત કરીએ તો ધોરાજીમાં પાંચ વર્ષ કોંગ્રેસનું શાસન રહ્યુ છે.
પરંતુ અહીંના ત્રસ્ત સ્થાનિકો જણાવે છે તેમ પ્રાથમિક સુવિધાઓના મસમોટા દાવા તો તમામ સત્તાધિશો કરી જાય છે પરંતુ નગરજનોને પાયાની કહી શકાય તેવી પાણીની સુવિધા પણ મળતી નથી. વર્ષોથી અહીની જનતા પાણીની સમસ્યા સામે સંઘર્ષ કરી રહી છે. 15 દિવસે પાણી આવવાની પ્રથા હજુ યથાવત છે. શહેરના અનેક વિસ્તારોમાં અઠવાડિયાનો પાણી કાપ હજુ પણ યથાવત છે. ધોરાજીના રસ્તાઓ પણ બિસમાર છે અને ચોમાસુ આવતા આ રસ્તાઓ વધુ ખરાબ થઈ જાય છે.
શહેરના લોકો ડહોળા પાણીથી પરેશાન છે. સરકારી હોસ્પિટલમાં વિશેષ તબીબોની ઘટ છે. રોડ રસ્તા હજુ પણ બિસમાર છે. બહારના વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે. જો કે કોંગ્રેસ દ્વારા હજુ વિકાસના દાવા કરાઈ રહ્યા છે. શહેરના રોડ રસ્તા બાબતે કોંગ્રેસનો એવો બચાવ છે કે બહારના રસ્તાઓ ખરાબ હશે પરંતુ શહેરની અંદરના રસ્તાઓ સારા છે. હવે ધૂળિયા ધોરાજીની ઓળખ દૂર થઈ છે. પાણી, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા અને બગીચાઓનું નવિનીકરણ કરવામાં આવશે.