‘ધક્કા ગાડી, એસટી હમારી’, સલામત સવારીના દાવા પોકળ, ભાવનગરમાં અધવચ્ચે જ બસ બંધ પડી જતા મુસાફરોએ માર્યા ધક્કા- જુઓ વીડિયો
ભાવનગરમાં અધવચ્ચે જ બંધ પડેલી એસટી બસને ધક્કા મારવાની નોબત આવી હતી. સિહોર ટાણા રૂટની બસ અધવચ્ચે જ બંધ પડી જતા મુસાફરો અને વિદ્યાર્થીઓએ ધક્કા માર્યા હતા. ત્યારે સલામત સવારી એસટી હમારી જાણે ધક્કો મારો અને બસમાં બેસો જેવો ઘાટ જોવા મળ્યો હતો.
ભાવનગરમાં સલામત સવારી એસટી હમારીના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. સિહોર-ટાણા રૂટની બસ અચાનક બંધ પડી જતા વિદ્યાર્થીઓ અને સહિત પ્રવાસીઓએ બસને ધક્કા મારવાનો વારો આવ્યો હતો. એસટી બસમાં અચાનક ખામી સર્જાતા બસ બંધ પડી ગઈ હતી. એસટી તંત્ર દ્વારા બસનું બરાબર મેઈન્ટેનન્સ નહીં થતા સલામત સવારીને બદલે ધક્કા ગાડી એસટી હમારી જેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
જો કે આ પહેલીવાર નથી કે આ પ્રકારે બસ અચાનક બંધ પડી જતા મુસાફરોએ ધક્કા મારવા પડ્યા હોય. આવુ અનેકવાર બનતુ જ રહે. ગમે ત્યારે બસ અધવચ્ચે જ બંધ પડી જાય છે અને મુસાફરો રઝળી પડે છે તેમને ધક્કા મારવા પડે છે. ભાવનગરમાં સિહોરથી ટાણા વચ્ચે ચાલતી શટલ એસટી બસ ટાણા બસ સ્ટેન્ડમાં રોડ પર જ બંધ પડી ગઈ. જેના કારણે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી અને મુસાફરો હેરાન પરેશાન થયા હતા.
બે દિવસ પહેલા ઉના-વેરાવળ રૂટની બસ પણ અધવચ્ચે જ થઈ હતી બંધ
આ અગાઉ બે દિવસ પહેલા જ ગીરસોમનાથમાં ઉના-વેરાવળ રૂટની બસ અચાનક રસ્તામાં બંધ થઈ ગઈ અને મુસાફરોએ ધક્કા માર્યા ત્યારે બસ ચાલુ થઈ હતી. આ બંને ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે હાલ એસટી વિભાગની હાલત કેવી છે. એસટીનું તંત્ર કેટલી હદે ખાડે ગયુ છે તેનો આ બોલતો પુરાવો આ બંને ઘટનાઓ આપી રહી છે. સલામત સવારીના દાવા કેટલા પોકળ છે તે આ ઘટનાઓ બતાવે છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar, Yogesh Joshi- Gir Somnath
