વલસાડમાં પૂરની સ્થિતિની ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ કરી સમીક્ષા, અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય આપવા તંત્રને સૂચના

| Updated on: Jul 24, 2026 | 3:53 PM

ડેપ્યુટી સીએમએ પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે સાફ-સફાઈ, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય કેમ્પ યોજવા સૂચના આપી હતી. સાથે જ પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ અને રાશન કિટનું તાત્કાલિક વિતરણ સુનિશ્ચિત કરવા અને કોઈપણ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા તંત્રને આદેશ આપ્યા હતા

Valsad Rain News : ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વલસાડ પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી પૂરની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ઉમરગામમાં એક જ દિવસમાં 1064 મિ.મી. (42.56 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે કપરાડામાં સિઝનનો સૌથી વધુ 2566 મિ.મી. (102.64 ઇંચ) વરસાદ પડ્યો છે. ભારે વરસાદ અને મધુબન ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું હતું.

જિલ્લા વહીવટી તંત્રએ એક જ દિવસમાં 12,376 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કર્યા હતા. આ કામગીરી બદલ હર્ષ સંઘવીએ ટીમ વલસાડને અભિનંદન પાઠવ્યા અને જાનહાનિ ટાળવામાં સફળતા બદલ પ્રશંસા કરી.

ડેપ્યુટી સીએમએ પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે સાફ-સફાઈ, સ્વચ્છતા અભિયાન અને આરોગ્ય કેમ્પ યોજવા સૂચના આપી હતી. સાથે જ પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ અને રાશન કિટનું તાત્કાલિક વિતરણ સુનિશ્ચિત કરવા અને કોઈપણ અસરગ્રસ્ત સહાયથી વંચિત ન રહે તેની ખાસ કાળજી રાખવા તંત્રને આદેશ આપ્યા હતા.

મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ વલસાડ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોની મુલાકાત લીધી તેમજ ઔરંગા નદીના પુલ પર જઈ પૂરનાં પાણીની સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્ય સરકારના પ્રયાસોથી વલસાડ જિલ્લો ટૂંક સમયમાં સામાન્ય સ્થિતિમાં પરત ફરશે.

Breaking News : ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસાવનારી સિસ્ટમ છે સક્રિય, હજુ પણ ભારે વરસાદની આગાહી

Published on: Jul 24, 2026 03:52 PM
Follow Us