ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર જીતની હેટ્રિક સર્જશે, અને કેટલીક બેઠકો પર તો ભાજપ રેકોર્ડ સર્જશે. અમદાવાદના વેજલપુરમાં જંગી જાહેરસભાને સંબોધિત કરતા અમિત શાહે વ્યક્ત કર્યો પ્રચંડ જીતનો વિશ્વાસ. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર પણ નિશાન સાધ્યું. ગૃહપ્રધાને જણાવ્યું કે વિપક્ષો પાસે કોઇ મુદ્દા જ નથી. તેઓ હારે એટલે EVM પર ઠીકરું ફોડે છે. PM મોદીના નેતૃત્વમાં ભાજપે કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી, CAA લાગુ કર્યો. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કર્યું. 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું સપનું ચોક્કસપણે પૂર્ણ થશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગાંધીનગરમાં તેમનુ નામાંકનપત્ર દાખલ કરવાના છે. એ પહેલા તેમણે આજે અમદાવાદમાં ઝંઝાવાતી પ્રચાર કર્યો, શાહે સવારથી શરૂ કરી કાળઝાળ ગરમી વચ્ચે સતત 10 કલાક સુધી મેગા રોડ શો કર્યો અને શક્તિપ્રદર્શન કર્યુ હતુ. સાણંદમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ અમિત શાહે રાણીપથી બીજા રોડ શો યોજ્યો હતો. જે ઘાટલોડિયા, નારણપુરા થઈને વેજલપુર સુધી યોજાયો હતો. વેજલપુર, જીવરાજપાર્ક પાસે અમિત શાહના સ્વાગતને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. અમિત શાહને આવકારવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને લોકો જીવરાજપાર્ક ક્રોસ રોડ પર જમા થયા હતા. કેસરી સાફા અને ભાજપના ઝંડા સાથે મોટી સંખ્યામાં કાર્યકરો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: રાજ્યવાસીઓ આકરી ગરમી સહન કરવા માટે રહેજો તૈયાર, 25 એપ્રિલ સુધી ગરમીમાં ઘટાડો થવાના નથી કોઈ એંધાણ- Video
Published On - 10:09 pm, Thu, 18 April 24