Vadodara : ગણપતપુરા-માંગલેજ રોડ પર ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા, નદીમાં જોવા મળ્યું મગરનું ઝુંડ, જુઓ Video

Vadodara : ગણપતપુરા-માંગલેજ રોડ પર ગરનાળામાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા, નદીમાં જોવા મળ્યું મગરનું ઝુંડ, જુઓ Video

| Edited By: | Updated on: Jul 08, 2026 | 3:16 PM

વડોદરાના પાદરા નજીક ઢાઢર નદીમાં મગરોનું એક ઝૂંડ જોવા મળ્યું છે. કોઠવાડા પાસે એક સાથે અનેક મગરો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.

સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વડોદરાના ગણપતપુરા-માંગલેજ રોડ પર આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. ગરનાળામાં પાણી ભરાવાને કારણે અનેક વાહનચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા.

આ માર્ગ ગણપતપુરા રોડને નેશનલ હાઇવે-48 સાથે જોડતો મહત્વનો માર્ગ હોવાથી રોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. જોકે વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

જોખમી પરિસ્થિતિ હોવા છતાં કેટલાક વાહનચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહનો પસાર કરતા જોવા મળ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું કે દર વર્ષે વરસાદ દરમિયાન આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, છતાં તેનો કાયમી ઉકેલ હજુ સુધી આવ્યો નથી.

સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે પૂરતી વ્યવસ્થા ન હોવાથી વારંવાર આવી સ્થિતિ સર્જાય છે. આ ઘટનાએ ફરી એકવાર તંત્રની કામગીરી અને પૂર્વ તૈયારીઓ સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

હાલમાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ મળ્યા નથી, પરંતુ વરસાદ ચાલુ રહે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરીને વાહનવ્યવહાર સામાન્ય બનાવવાની માંગ કરી છે.

વડોદરા જિલ્લાના પાદરા નજીક ઢાઢર નદીમાં મગરોનું એક ઝૂંડ બહાર આવતા સ્થાનિક લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. કોઠવાડા ગામ પાસે ઢાઢર નદીના કિનારે એક સાથે અનેક મગરો દેખાતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભય વ્યાપી ગયો છે.

મળતી માહિતી મુજબ, વિશ્વામિત્રી નદી, જે મગરોનું સામ્રાજ્ય ગણાય છે, તેમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે આ મગરો બહાર આવી રહ્યા છે. હાલમાં ઢાઢર નદીમાં પણ પાણીનો પ્રવાહ વધ્યો છે, જેને કારણે મોટા પ્રમાણમાં મગરો નદીકિનારે દેખાવા લાગ્યા છે.

આ ઘટનાને પગલે આજુબાજુના લોકો મોટી સંખ્યામાં બ્રિજ પર ઉમટી પડ્યા હતા. લોકો દૂરથી મગરોને જોવા માટે એકઠા થયા હતા, પરંતુ મગરોની મોટી સંખ્યા જોઇને તેઓ ચિંતિત પણ બન્યા હતા. નદી કિનારે મગરોની આ હાજરીથી સ્થાનિકોમાં પોતાની અને પોતાના પશુધનની સુરક્ષા અંગે ભય જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી

Published on: Jul 08, 2026 03:08 PM
Follow Us