નલિયા, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદમાં ઠંડીનો ચમકારો, બંગાળની ખાડીમા સર્જાશે ડિપ્રેશન
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આવતીકાલ 14મી નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાવાની શક્યતા છે. જે 16 નવેમ્બરના રોજ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. અને પશ્ચિમ- ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં અડધો નવેમ્બર મહિનો વિતતા જ શિયાળાએ પગરવ કર્યો છે. હાલમાં મોડી રાત્રીથી વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ઠંડીનો ચમકારો વધુ રહ્યો છે. આજે ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 14 ડીગ્રીએ પહોચ્યો છે. કચ્છના નલિયામાં 13 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો આંક છે. ગાંધીનગરમાં 14 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. તો સુરેન્દ્રનગરમાં પણ ઠંડીનો પારો 14 ડીગ્રીએ અટક્યો છે. રાજકોટ શહેરમાં ઠંડીનું પ્રમાણ 14.1 ડીગ્રી નોંધાયું છે.
અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો 15.6 ડીગ્રી અટક્યો છે. વડોદરા શહેરમાં 17 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. તો ભાવનગરમાં 19 ડીગ્રી અને સુરતમાં 20.5 ડીગ્રીએ ઠંડીનો પારો અટક્યો છે. દ્વારકામાં 21.3 ડીગ્રી, ભૂજમાં 17.8 ડીગ્રી, વેરાવળમાં 24.3 ડીગ્રી ઠંડી નોંધાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધાયેલ લધુત્તમ તાપમાન, સામાન્ય કરતા 1થી 6 ડીગ્રી વધુ નોંધાયું છે.
દરમિયાન હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આવતીકાલ 14મી નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં હવાનું હળવુ દબાણ સર્જાવાની શક્યતા છે. જે 16 નવેમ્બરના રોજ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. અને પશ્ચિમ- ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના હાલ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.