છોટા ઉદેપુરમાં નઘરોળ તંત્રની નિંભરતા, ત્રણ વર્ષ પહેલા ધરાશાયી થયેલો પૂલ નવો ન બનતા સ્થાનિકોએ સ્વખર્ચે બનાવ્યો ડાયવર્ઝન
છોટા ઉદેપુરના પાવિજેતપુરમાં નઘરોળ તંત્રની નિંભરતાનો વધુ એક કિસ્સો જોવા મળી રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા ધરાશાયી થયેલો પુલ સ્થાનિકોની અનેક રજૂઆતો બાદ પણ તંત્રએ નવો ન બનાવ્યો. છેવટે સ્થાનિકોએ જાતે શ્રમ યજ્ઞ દ્વારા તાત્કાલિક નવુ ડાયવર્ઝન બનાવવુ પડ્યુ છે.
છોટાઉદેપુરથી સરકારી તંત્રની ઉદાસીનતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જનતાની સમસ્યાની તંત્રને કંઈ પડી જ નથી તેની સાબિતી ત્રણ વર્ષ પહેલા ધરાશાયી થયેલો આ પૂલ આપી રહ્યો છે. પાવી જેતપુર નજીર ત્રણ વર્ષ પહેલા હિરણ નદી પરનો N.H.56 પરન પુલ ધરાશાયી થયો હતો. પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા પુલ નવો બનાવવામાં આવ્યો નથી. મુસાફરો અને સ્થાનિકોની અવરજવર માટે ₹6 કરોડના ખર્ચે બનાવાયેલું કામચલાઉ ડાયવર્ઝન પણ પહેલા વરસાદમાં ધોવાઈ ગયુ છે. ત્યારે ડાયવર્ઝનના કામમાં પણ કેટલી હદે ભ્રષ્ટાચાર આચરાયો તે સમજી શકાય છે.
ભ્રષ્ટ તંત્રના પાપે લોકોને 35 થી 40 કિલોમીટરનો લાંબો ચકરાવો લઈને જવાની ફરજ પડી રહી છે. પરંતુ તંત્રને ગામલોકોની કંઈ જ પડી નથી. અનેક રજૂઆતો કરવા છતા કોઈ મદદ ન મળતા કંટાળેલા અને થાકેલા સ્થાનિકોએ જાતે જ શ્રમયજ્ઞ કરીને તાત્કાલિક ધોરણે નવો ડાયવર્ઝન બનાવ્યો છે.
સરકાર કે તંત્ર તરફથી કોઈ મદદ ન મળતા કંટાળેલા સ્થાનિકોએ આખરે જાતે જ કમર કસી છે. ગ્રામજનો સ્વયંભુ શ્રમદાન કરીને તાત્કાલિક ધોરણે નવો ડાયવર્ઝન માર્ગ બનાવી દીધો છે. હાલ આ ડાયવર્ઝન બનતા લોકોને 35 કિલોમીટરના ચકરાવો કરવામાંથી તો મુક્તિ મળી છે પરંતુ નિંભર તંત્રની નિયત સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. શું ગરીબ લોકોની સમસ્યાની તંત્રને કંઈ પડી જ નથી. મોટા મોટા એક્સપ્રેસ વે ની લ્હાણી કરતી સરકારો એક સરખો પૂલ પણ ગામડાના વિકાસ માટે બનાવી શક્તી નથી, કરોડો રૂપિયાની ગ્રાંટથી સત્તાધિશો તેમના ઘર ભરી લે છે તેમની સામે કેમ કોઈ પગલા લેવાતા નથી.
Tv9 ગુજરાતીના ધારદાર અહેવાલ બાદ જાગ્યુ ભાવનગરનું તંત્ર, શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા પુરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ- Video