Rajkot Breaking : રાજકોટ સમરસ હોસ્ટેલમાં રિયાલિટી ચેક, કાચી રોટલી અને રોજ બટેટાનું શાક, ભોજનની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો
રાજકોટની સમરસ હોસ્ટેલમાં અપાતા ભોજનને લઈને વિદ્યાર્થીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. કાચી રોટલીથી વિદ્યાર્થીઓ બીમાર પડતા હોવાની ફરિયાદ સામે આવ્યા બાદ આરોગ્ય અને સમાજ કલ્યાણ વિભાગની ટીમોએ રસોડાની મુલાકાત લીધી હતી. આ તપાસમાં શું બહાર આવ્યું અને તંત્રએ શું આદેશ આપ્યા?
રાજકોટ સ્થિત સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાતા ભોજનની ગુણવત્તાને લઈને ભારે હોબાળો મચી ગયો છે. TV9ના રિયાલિટી ચેક દરમિયાન હોસ્ટેલના છાત્રોએ ભોજન અંગે ગંભીર આપવીતી રજૂ કરી હતી.
વિદ્યાર્થીઓનો મુખ્ય આરોપ છે કે તેમને પીરસાતી રોટલીઓની કિનારીઓ કાચી રહે છે, જેના કારણે નિયમિત પેટમાં દુઃખાવાની સમસ્યા સર્જાય છે. વધુમાં, સપ્તાહના 7 દિવસમાંથી 5 દિવસ માત્ર બટેટાનું શાક જ પિરસાતું હોવાની રાવ પણ સામે આવી છે.
આ વિવાદ વધુ વકરતાં આરોગ્ય વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમે તાત્કાલિક હોસ્ટેલના રસોડાની મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન રસોડા પરિસરમાં સ્વચ્છતા યોગ્ય જણાઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓની ફરિયાદને ગંભીરતાથી લઈને તંત્રએ મેસ સ્ટાફને રોટલી સહિતના તમામ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુધારવા કડક સૂચના આપી છે. અધિકારીઓએ વિદ્યાર્થીઓની ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ લાવવા અને પૌષ્ટિક આહાર આપવાની તાકીદ કરી છે.
સવાલ તો ત્યાં ઊભો થાય છે કે હોસ્ટેલમાં માત્ર ગુજરાતના જ નહીં પણ રાજ્ય બહારના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવે છે, જ્યાં હોસ્ટેલ અને યુનિવર્સિટી તંત્ર વિદ્યાર્થીઓ પાસેથી પૂરેપૂરી ફી વસૂલે છે પરંતુ સુવિધાના નામે માત્ર ઠેંગો જ બતાવે છે; જ્યારે પોતાના બાળકોને મોંઘી ખાનગી યુનિવર્સિટીઓમાં ભણાવી તમામ સગવડો પૂરી પાડતા આવા સંચાલકોને સરકારી યોજના હેઠળ આવતા સામાન્ય જનતાના સંતાનો ભલે બીમાર પડે તેનાથી કોઈ લેવાદેવા હોતી નથી,
તેમને માત્ર સમયસર નાણાં મળવાથી જ મતલબ હોય છે. જે રીતે વિદ્યાર્થીઓ રોજ બટેટાનું શાક અને અડધી કાચી-પાકી રોટલી પીરસાતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે, તેના પરથી સમજી શકાય છે કે ઘરથી સેંકડો કિલોમીટર દૂર રહી માતાના હાથના ભોજનથી વંચિત આ યુવાનો કેવી લાચારી વચ્ચે આવું અખાદ્ય ભોજન ખાવા મજબૂર બન્યા હશે, ત્યારે મોટો પ્રશ્ન એ થાય છે કે શું આ સંવેદનહીન તંત્રને વિદ્યાર્થીઓની આવી દયનીય હાલતથી કોઈ ફરક પડશે ખરો?
