Breaking News: અમદાવાદની 149મી રથયાત્રામાં તંત્રની ઘોર બેદરકારી, અંધ અને કાબૂ બહાર જતાં હાથીઓને કરાયા સામેલ
અમદાવાદની 149મી રથયાત્રામાં મેડિકલ કમિટીના નેગેટિવ રિપોર્ટ છતાં અંધ અને જોખમી હાથીઓને સામેલ કરાતાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.
અમદાવાદની 149મી રથયાત્રામાં તંત્રની એક અત્યંત ગંભીર અને ચોંકાવનારી બેદરકારી સામે આવી છે. 7 નિષ્ણાતોની એક્સપર્ટ કમિટીના નકારાત્મક મેડિકલ રિપોર્ટ અને સ્પષ્ટ મનાઈ હોવા છતાં અંધ અને જોખમી હાથીઓને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો.
મેડિકલ તપાસ દરમિયાન 14 માદા હાથીઓમાંથી ‘ગુલાબ કાલી’ નામની માદા હાથી બંને આંખોથી સંપૂર્ણપણે અંધ હોવાનું સામે આવ્યું હતું, જ્યારે ‘સંતોષી’ નામની અન્ય એક માદા હાથી એક આંખે અંધ હોવાનું નોંધાયું હતું. આ સિવાય, નર હાથી ‘બાબુ’ (જે ગયા વર્ષે રથયાત્રામાં કાબૂ બહાર ગયો હતો) ના બ્લડ અને સિરમ સેમ્પલમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ મળ્યું હતું. આ કારણોસર બાબુને રથયાત્રામાં સામેલ કરવો હિતાવહ નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય તબીબોએ આપ્યો હતો.
ગંભીર મેડિકલ રિપોર્ટ અને એક્સપર્ટ કમિટીની ભલામણોને અવગણીને પણ આ હાથીઓને રથયાત્રામાં કઈ રીતે મંજૂરી આપવામાં આવી તે અંગે હવે તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા સાથે થયેલા આ મોટા ખીલવાડ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું.

