ભાજપના (BJP) રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ (MP Ram Mokariya) નરેશ પટેલને રાજનીતિથી દૂર રહેવાની સલાહ આપી છે. નરેશ પટેલના (Naresh Patel) રાજનીતિમાં પ્રવેશ મુદ્દે રામ મોકરિયાએ મોટું નિવેદન આપ્યું છે અને પાટીદાર નરેશને કોઇપણ રાજકીય પક્ષમાં ન જોડાવવું જોઇએ તેવુ નિવેદન આપ્યુ છે. જોકે તેઓએ સ્પષ્ટતા કરી કે રાજનીતિમાં આવવું કે નહીં તે વિષય નરેશ પટેલનો છે, પરંતુ જો ભાજપમાં નરેશ પટેલ આવે તો તેમનું સ્વાગત છે. વધુમાં તેણે કહ્યું કે, તે ઘરે બેસીને સમાજ અને વ્યવસાયનું કામ કરે તો એ બરાબર છે. તમને જણાવી દઈએ કે, રાજકોટમાં કલેકટર કચેરી ખાતે કાર્યક્રમમાં હાજર રહેલ રામ મોકરિયાએ નરેશ પટેલના રાજકારણ અંગે આ નિવેદન આપ્યુ હતુ.
હાલમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને પોતાના પક્ષમાં જોડાવા માટે ભાજપ-કોંગ્રેસ બન્ને મથામણ કરી રહ્યું છે. ત્યારે આજે નરેશ પટેલ નર્મદા જિલ્લાની (Narmada) મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન નરેશ પટેલે રાજપીપળા APMC ચેરમેન દિનેશ પટેલના નિવાસ્થાને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, નર્મદા જિલ્લા પાસ કનવીનર પરેશ કે. પટેલ સહિત અન્ય પાટીદાર અગ્રણીઓ સાથે બંધ બારણે એક બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યુ છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલના (Khodaldham chairman Naresh Patel) રાજકીય પ્રવેશને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, તેની વચ્ચે આજે રામ મોકરિયાએ તેને રાજકારણથી દુર રહેવાની સલાહ આપી છે. સુત્રોનુ માનીએ તો નરેશ પટેલ કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે અંતિમ તબક્કાની ચર્ચાઓ કરી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે નરેશ પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરતા ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ હતી.
નરેશ પટેલ હાલમાં જર્મનીની મુલાકાતે હતા, ત્યાંથી તેઓ સીધા જ ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા અને ત્યાંથી આજે તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં (Congress) જોડાઈ તે પહેલાની આ ખૂબ જ મહત્ત્વની મુલાકાત ગણી શકાય અને આ મુલાકાતથી તેમની રાજકીય એન્ટ્રીમાં નવો વળાંક આવી શકે છે.