દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ, ગૌચરની જમીન બચાવવા ગામલોકો થયા એકજૂથ
પાવરગ્રીડ કંપનીઓ સામેનો ખેડૂતોનો વિરોધ હજુ શમ્યો નથી ત્યાં દ્વારકાના ભાડથર ગામે વીજકંપનીની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. ગૌચરની જમીન અને તળાવમાંથી વીજ લાઈન નાખવાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
દેવભૂમિ દ્વારકાના ભાડથર ગામે ફરી વીજકંપની સામે ગામલોકોએ વિરોધ નોંધાવ્યો છે. ગૌચરની જમીન અને તળાવમાંથી વીજ લાઈન નાખવાની કામગરી સામે ગામલોકોમાં રોષ છે. ગૌશાળા ખાતે 300 જેટલા ગ્રામજનોની બેઠક યોજાઈ હતી. ગૌચરની જમીન બચાવવા માટે ગામલોકો એક્ઠા થયા હતા અને ગામલોકોને વિશ્વાસમાં લીધા વિના જ ગ્રામ પંચાયત દ્વારા NOC આપી દેવાનો આક્ષેપ કરાયો છે. જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા વિના કામગીરી શરૂ કરવાવાનો કંપની સામે આરોપ છે.
ગ્રામ પંચાયતની NOC અને મંજૂરી સામે ગ્રામજનોએ સવાલો ઉઠાવ્યા છે. કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ હાજર ન થયાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. ગૌચરની જમીનમાં કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગ સ્થાનિકોએ કરી છે. જો કામગીરી ચાલુ રહેશે તો કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલનની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.
એકતરફ પહેલેથી જ પાવરગ્રીડ કંપનીઓ સામે ખેતરમાં વીજલાઈન નાખવા બાબતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, તેવામાં હવે ગૌચરની જમીનમાં અને તળાવમાંથી લાઈન પસાર કરવાની કામગીરી ખેડૂતોના ધ્યાને આવતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.
