બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે. ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ 10 ઉમેદવારોનું ભવિષ્ય EVMમાં સિલ થયું છે. પેટાચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દાખવતા 74 ટકા જેટલું બમ્પર મતદાન થયું છે. વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની કતારો લાગી હતી. વાવની બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિ-પાંખીયો મુકાબલો મનાઈ રહ્યો છે.
વાવમાં મતદાન પૂર્ણ થતા હવે તમામની નજર પરિણામ પર મંડાઇ છે. 23 નવેમ્બરે મતગણતરી થશે. ત્યારે જનાદેશ સામે આવશે. જો કે, આ પહેલા જ તમામ ઉમેદવાર પોત પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. આમ તો વાવમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઇ હતી. પરંતુ ભાજપથી નારાજ થઇ માવજી પટેલે અપક્ષમાં ઉમેદવારી કરતા આ જંગ ખુબ જ રોમાંચક બની ગયો હતો. ત્યારે માવજી પટેલનો દાવો છે કે તેઓ જરૂર જીતશે.
એક તરફ ચૂંટણીના જંગમાં ભાજપના વાયદાઓ હતા. તો બીજી તરફ કોંગ્રેસનો જીતનો સંકલ્પ હતો. આ પેટાચૂંટણીને સાંસદ ગેનીબેન ઠાકોરે પણ પોતાની પ્રતિષ્ઠાનો જંગ બનાવી લીધો હતો અને વાવનો ગઢ જીતવા તેઓએ પણ પુરી તાકાત લગાવી દીધી છે. વાવમાં છેલ્લી અનેક ચૂંટણીઓમાં ભાજપને નિષ્ફળતા મળી રહી છે. જો કે આ વખતે ભાજપને વિશ્વાસ છે કે આ વખતે વાવમાં કમળ જરૂર ખીલશે.
ગત વાવ વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરીયે તો, આ બેઠક કોંગ્રેસ જીતવામાં સફળ રહી હતી. ગેનીબેન ઠાકોર 15,601 મતોથી જીત્યા હતા. જો કે 2024માં શું થશે. તેના પર હવે સૌની નજર મંડાઇ છે. હાલ જનાદેશ EVMમાં કેદ થઇ ગયો છે. હવે 23 નવેમ્બરે જ્યારે મતગણતરી થશે. ત્યારે જ સામે આવશે કોના દાવામાં દમ હતો.