Banaskantha: વરસાદ બાદ ભારત-પાકિસ્તાનની સરહદે નડાબેટનો નયનરમ્ય નજારો, બીજી તરફ બનાસ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

બનાસકાંઠાના (Banaskantha) કાંકરેજમાં બનાસ નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બુકોલી, ઉંબરી, ખરીયા, દેવપુર, રૂણી સહિતના 33 ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 10:53 AM

રાજ્યભરમાં વરસાદી (Rain) માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજ્યના કુલ 80 તાલુકાઓમાં 1 ઈંચથી લઇને 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ બનાસકાંઠાના (Banaskantha) થરાદમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના લાખાણીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના સુઈગામ, વડગામ, પાલનપુરમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.  એક તરફ ભારે વરસાદના પગલે બનાસકાઠામાં કાંકરેજમાં બનાસ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. બીજી તરફ નડાબેટ સરહદે નયનરમ્ય નજારો સર્જાયો છે.

નડાબેટ સરહદે નયનરમ્ય નજારો સર્જાયો

બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ખૂબ જ મહેર ઉતારી છે. ગણતરીના કલાકોમાં જ ભારે વરસાદ ખાબકતા નડાબેટ સરહદે નયનરમ્ય નજારો સર્જાયો. ભારત અને પાકિસ્તાનની સરહદે જાણે કે નવો જ સમુદ્ર લહેરાતો જોવા મળ્યો. અફાટ રણમાં જ્યાં નજર જાય ત્યાં સુધી ચારે તરફ પાણી જ પાણી લહેરાતું દેખાયું. આ સરોવરના પાણીમાં ઘુડખર મોટી સંખ્યામાં દોડતા જોવા મળ્યાં હતા. બનાસકાંઠાની નડાબેટ સરહદે ભાગ્યે જ ઘુડખર જોવા મળે છે. ત્યારે નડેશ્વરી માતાજીના દર્શને આવેલા પ્રવાસીઓ કુદરતનો અદભૂત નજારો માણી ખુશખુશાલ થઈ ગયા. કેટલાક પ્રવાસીઓએ તો કુદરતી રીતે સર્જાયેલા સરોવરમાં બાળકોની સાથે નહાવાની મજા માણી હતી.

હિલ સ્ટેશન જેવો નજારો

ગુજરાતમાં અનેક સ્થળે વરસાદના ભરાયેલા પાણી આફત બનીને નુકસાન પહોંચાડી રહ્યાં છે. પરંતુ બનાસકાંઠાની નડાબેટ સરહદે સ્થિતિ તદ્દન ઉલટી જોવા મળી. કાળઝાળ ગરમી અને ધૂળની ડમરીઓના બદલે જાણે કોઈ હિલ સ્ટેશન પર આવ્યા હોય તેવા દ્રશ્યો ચોમેર સર્જાયા હતા નડેશ્વરી માતાજીના દર્શન અને નડાબેટ સરહદ જોવા આવતા પ્રવાસીઓએ નવા નજારાને મનભરીને માણ્યો હતો.

બનાસ નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા

બીજી તરફ બનાસકાંઠાના કાંકરેજમાં બનાસ નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. બુકોલી, ઉંબરી, ખરીયા, દેવપુર, રૂણી સહિતના 33 ગામોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના કારણે ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. બનાસકાંઠામાં અતિભારે વરસાદની આગાહીને જોતા નદીના પટમાં પ્રવેશ બંધ કરાયો છે. વર્ષ 2017ની જેમ ભારે વરસાદના કારણે કોઈ મોત ન થાય તે માટે તંત્ર સજ્જ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">