અંબાજી: ગબ્બર પરિક્રમા મહોત્સવના ચોથા દિવસે એકસાથે ચાર યાત્રાનો કરાયો પ્રારંભ, મશાલ, ત્રિશુલ, જ્યોત અને પાલખી યાત્રામાં જોડાયા લાખો શ્રદ્ધાળુ- વીડિયો
પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં પાંચ દિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નો આજે ચોથો દિવસ છે. આજના દિવસે એકસાથે ચાર યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમા જ્યોત યાત્રા, મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા અને પાલખી યાત્રા યોજાઈ હતી આજના દિવસે મુખ્યમંત્રી અને વિધાનસભાના તમામ સભ્યો ગબ્બરના દર્શને આવવાના છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 ફેબ્રુઆરી સુધી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું છે. આ પરિક્રમા મહોત્સવનો આજે ચોથો દિવસ છે. ત્યારે આજે એક સાથે ચાર યાત્રાનો પ્રારંભ કરાયો છે. જેમાં જયોત યાત્રા, મશાલ યાત્રા, ત્રિશુલ યાત્રા સાથે પાલખી યાત્રા જોડાઈ. ગબ્બર ગઢ ઉપરથી જ્યોત લાવી SDM સિદ્ધિ વર્માએ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ દરમિયાન સમગ્ર ગબ્બરની ગીરીમાળા જય અંબેના નાદથી ગૂંજી ઉઠી હતી.
ગબ્બર પરિક્રમા મહોત્સવ વધુ એક દિવસ લંબાવાયો
અંબાજીમાં ગબ્બર પર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની 16 ફેબ્રુઆરીએ પૂર્ણાહુતિ હતી પરંતુ હવે આ મહોત્સવનું 17 ફેબ્રુઆરીએ સમાપન થશે. લાખોની સંખ્યામાં આવતા ભાવિકોને ધ્યાને રાખી આ મહોત્સવ એક દિવસ લંબાવાયો છે. જિલ્લા કલેક્ટરે આ અંગેની જાહેરાત કરી હતી. છેલ્લા ત્રણ દિવસમાં આસ્થાના આ મહાપર્વમાં 6.85 લાખથી વધુ ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો છે.
આ મહોત્સવ દરમિયાન યાત્રિકો માટે દરરોજ વિનામૂલ્યે ભોજન, સ્વાસ્થ્ય, સ્વચ્છતા, પાણીની વ્યવસ્થા, બસોની સુવિધા, સુરક્ષા અને સલામતી જેવી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે ગબ્બરની તળેટીમાં આરતીનું વિશેષ આરતી કરવામાં આવે છે.