વસ્ત્રાલમાં ચૂંટણીનો ગરમાવો નહીં પણ રોષ: “કામ નહીં તો વોટ નહીં” ના બેનરો સાથે રહીશો મેદાને, પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી લોકો લાલઘૂમ
6 વર્ષથી રસ્તા અને ગટરની સમસ્યાથી ત્રસ્ત વસ્ત્રાલની 6 સોસાયટીઓએ લીધો મોટો નિર્ણય. "વિકાસ નથી તો વોટ પણ નથી" ના નારા સાથે ચૂંટણી બહિષ્કાર.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ વોર્ડમાં ચૂંટણીના માહોલ વચ્ચે રહીશોએ રાજકીય પક્ષો સામે મોરચો માંડ્યો છે. ન્યૂ વસ્ત્રાલની વેદાંત સ્કાય લાઇન સહિત આસપાસની 6 સોસાયટીના રહીશોએ સોસાયટીની બહાર ‘ચૂંટણી બહિષ્કાર’ ના બેનરો લગાવી દીધા છે. આ બેનરોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “કોઈ પણ રાજકીય પક્ષે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં.”
6 વર્ષનો આક્રોશ અને વિકાસના નામે માત્ર વાયદા
સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 વર્ષથી તેઓ રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની જરૂરિયાતો માટે વલખાં મારી રહ્યા છે. વરસાદ સમયે રસ્તા પર ગોઠણસમા પાણી ભરાઈ રહે છે અને રોડ ઊંચો કરી દેવાને કારણે પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાય છે. ગંદકીના કારણે ઘરે-ઘરે રોગચાળો ફેલાયો છે, છતાં તંત્ર માત્ર ખોટા આશ્વાસનો જ આપી રહ્યું છે.
પૂર્વ અને પશ્ચિમ વચ્ચેના ભેદભાવથી નારાજગી
રહીશોમાં સૌથી વધુ નારાજગી પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ વચ્ચે થતા ભેદભાવને લઈને છે. સ્થાનિકોનું કહેવું છે કે પશ્ચિમ વિસ્તારમાં તમામ સુવિધાઓ મળી રહે છે, તો પૂર્વ વિસ્તારને કેમ અન્યાય? ધૂળ, ગંદકી અને ખરાબ રસ્તાઓને કારણે બાળકો અને સિનિયર સિટિઝનોની હાલત કફોડી બની છે. નોકરીએ જતા લોકો અને શાળાએ જતા બાળકો માટે કાદવમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
નેતાઓ માટે ‘નો એન્ટ્રી’
વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા, હવે રહીશોએ ‘કામ નહીં તો વોટ નહીં’ નું સૂત્ર અપનાવ્યું છે. રહીશોનું કહેવું છે કે હવે માત્ર વાયદાઓથી કામ નહીં ચાલે. જ્યાં સુધી રસ્તા અને ગટરની સમસ્યા હલ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પક્ષના ઉમેદવારને સોસાયટીમાં પગ મૂકવા દેવામાં આવશે નહીં.
(ઈનપુટ ક્રેડિટ: સચિન પાટીલ)
