વટવામાં મોડી રાત્રે બાઈકચાલક ભુવામાં ખાબક્યો ! શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે ? જનતાના સવાલોનો મારો!
વટવામાં 15 દિવસથી પડેલા ભુવામાં બાઈકચાલક ખાબકતા મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ. વરસાદ વિના જ જો રસ્તાઓ બેસી જતા હોય, તો ચોમાસામાં તંત્રની સજ્જતાના દાવા કેટલા સાચા? માત્ર વોટ માંગવા આવતા નેતાઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે હવે રોષે ભરાયેલી જનતા આકરા સવાલો કરી રહી છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે રસ્તા પર પડેલા એક વિશાળ ભુવામાં ગત મંગળવારે રાત્રે એક બાઈકચાલક ખાબક્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ ભુવો છેલ્લા 15 દિવસથી પડ્યો હતો, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ માત્ર સામાન્ય આડસ મૂકીને સંતોષ માની લીધો હતો. ફાયર વિભાગે સમયસર પહોંચીને ચાલકનું રેસ્ક્યૂ કર્યું હતું, અન્યથા કોઈ મોટી જાનહાનિ થઈ શકી હોત.
જનતાના વેધક સવાલો: ક્યાં સુધી ચાલશે આ ભ્રષ્ટાચાર?
આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે હજુ તો વરસાદની શરૂઆત પણ નથી થઈ ત્યાં જો આ હાલત છે, તો ભારે વરસાદમાં જનતાની હાલત શું થશે? શું તંત્ર માત્ર ભ્રષ્ટાચાર કરીને પોતાની તિજોરીઓ ભરવામાં જ વ્યસ્ત છે? જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ મોટા-મોટા વાયદાઓ કરીને વોટ માંગવા નીકળી પડે છે, પણ ચૂંટણી જીત્યા બાદ જનતાની સુવિધાની કોઈને કદર રહેતી નથી.
શું કોન્ટ્રાક્ટરો પર ક્યારેય લેવાશે કડક પગલાં?
જ્યારે પણ કોઈ દુર્ઘટના બને છે ત્યારે સરકાર સ્ટેજ પરથી મોટા નિવેદનો આપે છે કે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરાશે અને દંડ ફટકારાશે. પરંતુ સવાલ એ છે કે આજ દિન સુધી ખરેખર કયા અધિકારી કે કોન્ટ્રાક્ટરને જેલ ભેગા કરાયા છે? જનતાના ટેક્સના પૈસાથી એશ કરતું તંત્ર હવે જાગે તેવી લોક માંગ ઉઠી છે.