અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ચાઈનીઝ દોરી વિરુદ્ધ જાગૃતિ, વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા
ઉત્તરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ દોરીથી થતા અકસ્માતો અને પક્ષીઓના નુકસાનને અટકાવવા અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાર્થીઓએ સુરક્ષિત પતંગોત્સવ માટે પ્રતિજ્ઞા લીધી.
ઉત્તરાયણના તહેવારમાં પતંગની ઘાતકી ચાઈનીઝ દોરીથી માનવજીવન તેમજ પક્ષીઓ અને પશુઓને થતી ઇજાઓને ધ્યાનમાં રાખી અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ શિક્ષણ વિભાગ અને વન વિભાગના સંયુક્ત પ્રયાસથી આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય અમૂલ ભટ્ટ અને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ની હાજરીમાં વિદ્યાર્થીઓએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવાનો સંકલ્પ લીધો. સાથે જ, ઉત્તરાયણ દરમિયાન સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ નહીં ચગાવવાનો નિર્ણય કર્યો. વિદ્યાર્થીઓને પતંગોત્સવ દરમિયાન પક્ષીઓ અને પશુઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે સાવચેતી રાખવાની સમજ આપવામાં આવી. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સુરક્ષા, પર્યાવરણ સંરક્ષણ અને માનવતા અંગેની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો.
