Ahmedabad: ચાંદલોડિયામાં રેલવે અન્ડર બ્રિજની કામગીરી બની માથાનો દુખાવો, ગટરના પાણીનો ભરાવા થતા અનેક સોસાયટીઓ ત્રાહિમામ

Ahmedabad: ચાંદલોડિયામાં રેલવે અન્ડર બ્રિજની કામગીરી બની માથાનો દુખાવો, ગટરના પાણીનો ભરાવા થતા અનેક સોસાયટીઓ ત્રાહિમામ

| Edited By: | Updated on: Jun 07, 2026 | 6:28 PM

અમદાવાદમાં ચાંદલોડિયા રેલવે અંડર બ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે પરંતુ હજુ સુધી બ્રિજ તૈયાર થયો નથી. રેલવે વિભાગની આ મંથર ગતિની કામગીરીથી આસપાસના રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

અમદાવાદમાં ચાંદલોડિયા રેલવે અંડર બ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. વંદેમાતરમથી ગોતાને જોડતો રેલવે અન્ડર બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી બની રહ્યો છે. કહેવાતા સ્માર્ટ સિટી અમદાવાદમાં તંત્ર દ્વારા ગોકળ ગાયની ગતિએ બ્રિજની કામગીરી થઈ રહી છે. બ્રિજને કારણે ઠેકઠેકાણે ખોદકામ કરી દેવામાં આવ્યુ છે અને આ ખોદકામ કરેલી જગ્યાઓમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. જેનાથી આસપાસના રહિશોને ભારે ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે.

બ્રિજની આસપાસની અપેક્ષા એવન્યુ, શ્રીફળ એપાર્ટમેન્ટ, કીર્તિ બંગલો, શુકન ગોલ્ડ, પોપ્યુલર પેરેડાઇસ, નિર્માણ હોમ્સ, વંદેમાતરમ ક્રોસ વિન્ડ સહિતની 10 સોસાયટીઓને અસર થઈ રહી છે. હાલ તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીના નામે મોટા મોટા દાવા કરાઈ રહ્યા છે. તો બીજી તરફ મોનસુન પહેલા જ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. ત્યારે બ્રિજની આસપાસના સ્થાનિકોનું કહેવુ છે કે અનેક રજૂઆત કરવા છતા બ્રિજની કામગીરી સત્વરે પૂર્ણ કરાઈ નથી રહી. આખરે ત્રાસેલા સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવા બેસણાની સભા યોજી રામધુન બોલાવી હતી. લોકોનું કહેવુ છે કે શહેરના મેયરે પણ ગઈકાલે આ સ્થળની મુલાકાત લીધી હતી પરંતુ તેમની રજૂઆતો સાંભળ્યા વગર જ ત્યાંથી રવાના થઈ ગયા હતા. જેના લીધે સ્થાનિકોનમાં નારાજગી છે.

હાલ અંડરપાસ પાસે ડ્રેનેજ અને મેઈન લાઈન ભેગી થતાં પાણીનો ભરાવો થાય છે. જેના લીધે મચ્છરજન્ય રોગ ફેલાવવાની પણ ભીતિ સર્જાઈ છે. ત્યારે આગામી સમયમાં જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકોએ ગાંધીનગર રજૂઆત કરવા જવાની ચીમકી ઉચ્ચારી છે.

સિંહનો આવો વીડિયો ક્યાંય નહીં જોયો હોય, શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજારાજા- જુઓ Video

Published on: Jun 07, 2026 06:25 PM
Follow Us