ચાલુ ગાડીએ ટાયર નીકળતા કારચાલક અને પરિવારનો જીવ તાળવે ચોંટ્યો, ‘AMC’ નિષ્ક્રિય અને મૌન – જુઓ Video
અમદાવાદમાં ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે, જેના લીધે વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે. હવે જો આ ખાડાઓને લીધે કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની?
અમદાવાદના રસ્તા પર મોટાપાયે ખાડાઓ પડવાના કારણે વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે. ખાસ કરીને, ન્યુ મણિનગર તરફ જતા કેનાલની નજીક મુખ્ય માર્ગ પર ઠેર-ઠેર ખાડા પડ્યા છે. હમણાં જ બનેલી એક ઘટનામાં એક ગાડી મોટા ખાડામાં પટકાઈ હતી અને આગળનું ટાયર નીકળી ગયું હતું.
જણાવી દઈએ કે, આ ઘટનામાં કારચાલક અને કારમાં સવાર તેમના બાળકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ચાલુ કારે આગળનું એક ટાયર નીકળતા પરિવારનો જીવ તાળવે ચોંટ્યો હતો અને કાર વચોવચ અટવાતા અન્ય વાહનોને પણ મુશ્કેલી ભોગવવી પડી રહી છે. આશ્ચર્યજનક વાત એ છે કે, એક કલાકથી કાર રસ્તાની વચ્ચે અટવાતા પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો.
કારચાલકે AMCના કંટ્રોલરૂમમાં ફરિયાદ નોંધાવી છતાં ત્યાંથી કોઈ મદદ મળી નહોતી. તંત્રની આ બેદરકારીને કારણે કારને મોટાપાયે નુકસાન થયું છે. નોંધનીય છે કે, અમદાવાદમાં એક કિલોમીટરના રોડ પર જ નહીં પરંતુ સમગ્ર માર્ગ પર આવી સમસ્યા યથાવત ચાલી રહી છે, જેના લીધે વાહનચાલકોના જીવ પણ ગંભીર જોખમમાં પડી શકે છે.