ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા ‘AAP’ની તૈયારી, હાઇકોર્ટમાં લડાશે કાનૂની જંગ
હાલમાં આમ આદમી પાર્ટીનું મોવડી મંડળ વિવિધ કાનૂની પાસાઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટીનું માનવું છે કે કાયદાકીય રીતે પોતાની દલીલો મજબૂત બનાવીને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાળવી રાખી શકાય છે.
ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો વિષય બનેલા, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાના ધારાસભ્ય પદને લઈને આમ આદમી પાર્ટી (AAP) હવે કાનૂની લડત માટે સક્રિય બની છે. આમ આદમી પાર્ટી દ્વારા, ચૈતર વસાવાનુ ડેડિયાપાડાના ધારાસભ્યનું પદ બચાવવા માટે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી દેશના જાણીતા અને સર્વોચ્ચ કક્ષાના કાનૂની નિષ્ણાતોની સલાહ લઈ રહી છે. ટૂંક સમયમાં ગુજરાત હાઇકોર્ટમાં રાજપિપળા કોર્ટના ચૂકાદા સામે અરજી દાખલ કરવાની તૈયારી કરી રહી છે. આગામી એક સપ્તાહ દરમિયાન તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને મામલો હાઇકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સુપ્રીમ કોર્ટના જાણીતા વકીલ અભિષેક મનુ સિંઘવી સહિતના કાનૂની દિગ્ગજો આ કેસમાં દલીલ કરી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
હાલમાં આમ આદમી પાર્ટીનું મોવડી મંડળ વિવિધ કાનૂની પાસાઓનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચન મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે. પાર્ટીનું માનવું છે કે કાયદાકીય રીતે પોતાની દલીલો મજબૂત બનાવીને ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ જાળવી રાખી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, અભિષેક મનુ સિંઘવીએ અગાઉ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સાંસદ પદના કેસ તેમજ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લગતા કેસમાં પણ કોર્ટમાં અસરકારક દલીલો કરી હતી. ગુજરાતના કેટલાક મહત્વપૂર્ણ રાજકીય અને કાનૂની કેસોમાં પણ તેઓ પક્ષકારોની તરફેણમાં રજૂઆત કરી ચૂક્યા છે.
ચૈતર વસાવાના મામલે હવે આમ આદમી પાર્ટી કાનૂની મોરચે આક્રમક વ્યૂહરચના અપનાવી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં આ કેસ રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવે તેવી શક્યતા છે.