Gandhinagar Political News: 2022ની વિધાનસભા ચૂંટણી પહેલા BJP એક્શનમાં, સરકાર અને તેના પ્રતિનિધિઓની કામગીરી જનતા સામે મુકવા ઘડાઈ રણનીતિ

Gandhinagar Political News:  ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અમદાવાદ આવી પહોંચ્યા છે અને આજે તેઓ ગાંધીનગર વિધાનસભા (Gandhinagar Vidhansabha) સંકુલમાં બેઠક યોજી.

Gandhinagar Political News:  ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ અમદાવાદ આવી પહોંચ્યા છે અને આજે તેઓ ગાંધીનગર વિધાનસભા (Gandhinagar Vidhansabha) સંકુલમાં બેઠક યોજી. આ બેઠકમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિત 112 ધારાસભ્યોની ઉપસ્થિતિમાં સંબોધન કરશે. મહત્વપૂર્ણ છે કે ભાજપે મિશન 2022ની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

2022ની વિધાનસભા ચૂંટણી અગાઉ સંગઠન તથા સરકાર વચ્ચે સંકલન સાધવાના પ્રયાસો તેજ થયા છે અને પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે બેઠકો કરી રહ્યા છે ત્યારે આજની બેઠકમાં કોરોનાલક્ષી કામગીરી અંગે ચર્ચા પર ભાર મુકાયો છે, તો ધારાસભ્યોને સૂચના આપીને સમજાવીને બહાર નીકળી પ્રજા વચ્ચે જવા સૂચના આપવામાં આવશે.

આ સિવાય ધારાસભ્યોનું 5 વર્ષની કામગીરીનું સરવૈયુ પણ માગવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અગાઉ 11 જૂને પણ ભુપેન્દ્ર યાદવે ગુજરાત મુલાકાત કરી હતી અને સરકાર તથા સંગઠન વચ્ચે બેઠક યોજી હતી. સંગઠનમાંથી ગોરધન ઝડફિયા અને સરકારમાંથી મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ બેઠકમાં હાજર રહ્યા હતા ત્યારબાદ 12મી જૂને પણ વહેલી સવારથી જ ગાંધીનગર ખાતે સરકારી બંગલોમાં સરકાર અને સંગઠનના આગેવાનો સાથે વન ટુ વન બેઠકો યોજી હતી.

ગુજરાતમાં ‘આપ’ પાર્ટીનાં મુખ્યા અને દિલ્હીનાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતની 182 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ હવે ભાજપ મજબુતાઈ સાથે જવાબ આપવા માટે ઉતરી રહી હોય એમ લાગી રહ્યું છે. પ્રભારી ભુપેન્દ્ર યાદવ દ્વારા ધારાસભ્યોનાં કામનાં સરવૈયાની સાથે ભાજપે કરેલા પ્રજાહિતનાં કામને પણ જનતા વચ્ચે એટલે જ મુકવાનું કહેવામાં આવ્યું છે કે જેથી કરીને આવનારા સમયમાં દુષ્પ્રચારથી બચી શકાય.

આ સંદર્ભમાં અરવિંંદ કેજરીવાલે પહેલા પણ નિવેદન આપ્યું હતું અને ગુજરાતમાં આવીને પણ કહ્યું હતું કે કોરોનાનાં સમયમાં ગુજરાતની જનતાને એમનેમ છોડી દેવામાં આવી. આ નિવેદનથી વિરૂદ્ધમાં કેજરીવાલને જવાબ આપ્યા વગર ભાજપ પોતાના કામનું સરવૈયુ આપવાની તૈયારીમાં લાગી ગયું છે. ખાસ કરીને ગામડામાં કોરોનાનાં સમયમાં પાર્ટીનાં અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ આ સંદેશ અપાયો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાઉ તે વાવાઝોડા સમયમાં ગામડાની મુલાકાત લઈને સધિયારો પણ આપ્યો હતો કે સરકાર જનતા સાથે છે અને નુક્શાનનાં સમયમાં પણ તમામ મદદ કરશે. સરકારે સ્ટ્રેટેજી હવે શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારો પર પણ ફોકસ રાખવાની કરી છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે તાજેતરમાં મેળવેલી ચૂંટણીની સફળતાને પણ આની સાથે જોડીને વધુ મક્કમ બનાવવા માગે છે.

વિધાનસભાની ચૂંટણીને આડે ભલે હજુ સમય રહ્યો હોય પરંતુ ભાજપ 2017ની ચૂંટણીમાં હાર્દિક પટેલનાં ફેક્ટરને લઈ થયેલા નુક્શાનને નજર અંદાજ કરવા નથી માગતો. હાર્દિક પટેલ 2022નાં સમયમાં ખુલીને ભાજપ સામે ઉતરશે. આપ પાર્ટીએ પણ વિધાનસભાની 182 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

તેવામાં કોંગ્રેસ પોતાની વોટબેન્ક આપમાં ના જતી રહે તે માટે પ્રયત્ન મજબુત કરશે જ કેમકે કોર્પોરેશનની ચૂંટણીમાં સુરતમાં આપને 27 જેટલી બેઠક મળી હતી. એટલે કે આપ પાર્ટીનું કોંગ્રેસીકરણ ગામડા અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં થાય કે ન થાય પણ ભાજપ પોતાની કામગીરીને પહેલેથી જ જનતા વચ્ચે જઈને વિકાસનાં મુદ્દાને આ વખતે પણ પકડી રાખશે એ નક્કી છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati