કરફ્યુના આદેશની ઐસીતૈસી કરી જાહેરમાં આતશબાજી કરી જન્મદિવસ ઉજવતા આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ

આણંદ નગરપાલિકાના ( Anand municipality ) પૂર્વ પ્રમુખ, વિજય માસ્તરના જન્મદિવસ નિમિત્તે રાત્રે 12 વાગે જાહેરમાં કેક કાપવા અને આતશબાજી કરવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થયો

  • Bipin Prajapati
  • Published On - 10:15 AM, 18 Apr 2021

ગુજરાત સરકારે જાહેર કરેલા રાત્રીના 8થી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધીના કરફ્યુની ઐસીતૈસી કરીને આણંદ નગરપાલિકાના ( Anand municipality ) પૂર્વ પ્રમુખે, જાહેરમાં આતશબાજી સાથે જન્મદિવસની ઉજવણી કરી.

આણંદ નદગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય માસ્તરના જન્મ દિવસ નિમિત્તે, રાત્રે 12 વાગે જાહેરમાં આતશબાજી કરીને કેક કાપવામાં આવી હતી. એક તરફ કોરોના મહામારીએ આણંદ સહીત ગુજરાતમાં ભયાનક ભરડો લીધો છે. આવા સમયે લોકો કોરોનાથી સંક્રમિત ના થાય તે માટે ગુજરાત સરકારે આણંદ સહીત ગુજરાતના 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી બીજા દિવસે સવારના છ વાગ્યા સુધીનો કરફ્યુ લાદયો છે. પરંતુ ગુજરાતની ભાજપની સરકારના નિયમોનુ જ પાલન ભાજપના પૂર્વ હોદ્દેદારો નથી કરી રહ્યાં.

આતશબાજી સાથે કેક કાપતા વિજય માસ્તર

આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિજય માસ્તરના જન્મદિવસની ઉજવણીમાં ભાજપના અન્ય હોદ્દેદારો પણ સામેલ થયા હતા. જેમાં આણંદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રગ્નેશ પટેલ કે જેઓ ભયલુના હુલામણા નામે ઓળખાય છે તેઓ પણ સરકારી નીતિ નિયમોના ધજાગરા ઉડાડીને જાહેરમાં જન્મદિવસની ઉજવણીમાં સામેલ હતા.

વિજય માસ્તરના જન્મદિવસ નિમિત્તે રાત્રે 12 વાગે જાહેરમાં કેક કાપવા અને આતશબાજી કરવાનો વિડીયો સોશિયલ મિડીયામાં વહેતો થયો છે. ત્યારે આણંદના કેટલાક નાગરિકો પૂછી રહ્યાં છે કે શુ આ વિડીયોના આધારે ભાજપ સરકાર તેમના પદાધિકારી-હોદ્દેદારો સામે, આણંદ પોલીસને કહીને કોઈ પગલા ભરશે કે પછી બધુ ભીનું સંકેલી લેશે.