હોસ્પિટલ સ્ટાફ લાગ્યો હતો મંત્રીજીની જીહજૂરીમાં, બહાર કોરોનાના દર્દીએ તડપી તડપીને લીધા છેલ્લા શ્વાસ

જ્યારે આરોગ્ય પ્રધાન હોસ્પિટલમાં દર્દીઓની ખબર પૂછી રહ્યા હતા ત્યારે એક દર્દીએ હોસ્પિટલની બહાર છેલ્લા શ્વાસ લીધા. આ દુખદ ઘટના બાદ દર્દીની દીકરીનું રુદન ફૂટી પડ્યું હતું.

  • tv9 webdesk37
  • Published On - 9:16 AM, 14 Apr 2021

ઝારખંડના આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તા મંગળવારે રાજધાની રાંચીની સદર હોસ્પિટલની સ્થિતિ જાણવા ગયા હતા. હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે તેમની પોતાની જ સિસ્ટમે તેમને શરમ ભરાવી દીધી હતી. મંત્રી દર્દીઓની હાલત જાણવા પહોંચ્યા ત્યારે સમગ્ર વિભાગ તેમની જીહજૂરીમાં લાગી ગયો. પરંતુ તે જ સમયે, હોસ્પિટલની બહાર એક દર્દીએ સારવારની અછતને કારણે તેની પુત્રીની સામે છેલ્લા શ્વાસ લઇ લીધા.

જ્યારે આરોગ્ય પ્રધાન હોસ્પિટલની બહાર આવી રહ્યા હતા, ત્યારે મૃતદેહ લઈને બેસેલી પુત્રીએ મંત્રીની બોલતી બંધ કરી દીધી હતી. તેણે તેનો ગુસ્સો જાહેરમાં જ બતાવી દીધો.

કોવિડને કારણે પિતાને ગુમાવનાર પુત્રીએ મંત્રી બન્ના ગુપ્તા સામે હોબાળો મચાવ્યો, અને ગુસ્સો ઠાલવ્યો હોવાના અહેવાલ છે. તેણે કહ્યું કે “મંત્રી જી અહીં (હોસ્પિટલ પરિસરમાં), ડોક્ટર… ડોક્ટર ચીસો પાડતી રહી ગઈ…. કોઈ ડોક્ટર ના આવ્યા…. હવે તમે શું કરશો…. મારા પિતાને પાછા લાવી દેશો? તમે ખાલી મત લેવા આવો છો.” લોકો તેને ઘરે જવા સમજાવતા રહ્યા, પરંતુ તે બોલાતી જ રહી.

હજારીબાગથી સારવાર માટે આવ્યા હતા પવન

પવન ગુપ્તાની તબિયત લથડતાં તેના પરિવારજનો તેને હજારીબાગથી રાંચી લાવ્યા હતા. તેઓ હોસ્પિટલથી હોસ્પિટલમાં ભટકતા હતા, પરંતુ તેમને કોઈ બેડ મળ્યો નહોન. અંતે તે સદર હોસ્પિટલ પહોંચ્યા. અહીં પ્રધાન અંદર નિરીક્ષણ કરી રહ્યા હતા તો બહાર આ દર્દી તડપી રહ્યા હતા. અને તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આખરે તેમણે દમ તોડી દીધો.

ભાજપે કહ્યું કે- સરકારની બેદરકારીને કારણે દીકરીએ તેના પિતા ગુમાવ્યા

આ કેસમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપક પ્રકાશે જણાવ્યું હતું કે, સરકારની બેદરકારીને કારણે આ પુત્રીએ પિતા ગુમાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે મુખ્યમંત્રી તેમની જવાબદારીઓ ક્યારે સમજશે?

મંત્રીએ તપાસના આદેશ આપ્યા

આરોગ્ય પ્રધાન બન્ના ગુપ્તાએ આ ઘટનાનો તપાસ રિપોર્ટ સિવિલ સર્જન રાંચી પાસેથી 48 કલાકમાં માંગ્યો છે. તેઓએ પૂછ્યું છે કે કઈ બેદરકારીને લીધે કયા સંજોગોમાં દર્દીનું મોત થયું છે. મંત્રીએ કહ્યું કે તેઓ કોરોના સમયગાળા દરમિયાન ઝારખંડના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. તેથી પોતાની તબિયતને ધ્યાનમાં લીધા વિના, કોરોનાના દર્દીઓને મળવા માટે કોરોના વોર્ડમાં ગયા હતા.

 

 

આ પણ વાંચો: ના મળી વ્હીલચેર કે સ્ટ્રેચર, 80 વર્ષની માતાને પીઠ પર ઉચકીને હોસ્પિટલમાં ભટકતો રહ્યો પુત્ર