છપૈયાના આ જ સ્થાન પર થયું હતું પ્રભુ સ્વામિનારાયણનું પ્રાગટ્ય, સ્વામિનારાયણ જયંતીએ જાણો છપૈયાનો મહિમા

ઘનશ્યામ ભવન એ જ જગ્યા પર નિર્માણ પામ્યું છે કે જ્યાં એક સમયે પ્રભુ સ્વામિનારાયણના પિતા ધર્મદેવનું ઘર હતું. કહે છે કે આ એ જ ધરા છે કે જ્યાં શ્રીહરિએ માનવદેહે અવતાર લીધો હતો ! અહીં બાળ ઘનશ્યામની સ્મૃતિઓ આજે પણ અકબંધપણે સચવાયેલી છે.

TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 10, 2022 | 10:13 AM

ઉત્તર પ્રદેશના અયોધ્યાથી લગભગ 37 કિલોમીટરના અંતરે છપૈયા નામે એક ખોબા જેવડું ગામ આવેલું છે. પણ, આ ખોબા જેવડું ગામ આજે આખાય વિશ્વમાં ‘હરિભક્તિ’નો પર્યાય બની ચૂક્યું છે. અને તેનું એકમાત્ર કારણ છે, એ સર્વાવતારી પ્રભુ કે જેમણે બે સદી પૂર્વે આ ધરા પર પ્રાગટ્ય કરીને તેને ધન્ય કરી દીધી. આ છપૈયા એટલે જ પ્રભુ સ્વામિનારાયણની જન્મસ્થલી. એ ભૂમિ કે જે આજે અનેક મુમુક્ષુઓના મનોરથોને પૂર્ણ કરી રહી છે. ત્યારે સ્વામીનારાયણ જયંતીના અવસરે આપણે પણ આ ધરાના માહાત્મ્યને જાણીએ.

દર વર્ષે લાખોની સંખ્યામાં હરિભક્તો છપૈયામાં સ્વામિનારાયણધામના દર્શને આવે છે. છપૈયાની આ ભૂમિ પર બે મંદિર વિદ્યમાન છે. અહીંના મૂળ સ્થાનકમાં ભક્તોને પ્રભુની દિવ્ય પ્રતિમાના દર્શન થઈ રહ્યા છે. તો, અહીંનું બીજું મંદિર ઘનશ્યામ ભવનના નામે ઓળખાય છે. કહે છે કે આ એ જ ધરા છે કે જ્યાં શ્રીહરિએ માનવદેહે અવતાર લીધો હતો ! હકીકતમાં ઘનશ્યામ ભવન એ જ જગ્યા પર નિર્માણ પામ્યું છે કે જ્યાં એક સમયે પ્રભુ સ્વામિનારાયણના પિતા ધર્મદેવનું ઘર હતું. પ્રભુ સ્વામિનારયણનું બાળપણનું નામ ઘનશ્યામ હતું, અને અહીં બાળ ઘનશ્યામની સ્મૃતિઓ આજે પણ અકબંધપણે સચવાયેલી છે.

Prabhu Swaminarayan was born at this place of Chhapaiya Know the glory of Chhapaiya on Swaminarayan Jayanti

Ghanshyam bhavan

ધન્ય ઘડી… ધન્ય ભાગ….

દીઠા મેં તો બાળ ઘનશ્યામ….

ઘનશ્યામ ભવનમાં માતા ભક્તિની પડખે પોઢેલાં શ્રીઘનશ્યામની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. જેના દર્શન કરતા જ ભક્તો ભાવવિભોર થઈ જાય છે. ભક્તોને એ ઘડીનું સ્મરણ થઈ આવે છે કે જે ઘડીએ પ્રભુએ આ ધરતી પર પ્રાગટ્ય કર્યું હતું.

 

ઘનશ્યામ પ્રાગટ્ય

પ્રચલિત કથા અનુસાર શ્રીઘનશ્યામના ધરતી પર પ્રાગટ્ય પૂર્વે જ પ્રકૃતિએ જાણે તેમના આવવાનો અણસાર પામી લીધો હતો. પશુ-પક્ષીઓથી લઈ વૃક્ષો પણ આનંદિત હતાં. તો, મનુષ્ય પણ શુભ આગમનને વધાવવાં આતુર હતાં. વિક્રમસંવત 1837ની ચૈત્ર સુદ નોમના રોજ રાત્રે 10:10 કલાકે શ્રીહરિનું છપૈયામાં અવતરણ થયું. કહે છે કે આ અવસરે ઉપસ્થિત સર્વએ એક દિવ્ય ચેતનાની અનુભૂતિ કરી હતી. શ્રીહરિના જન્મ સમયે સમસ્ત વાતાવરણમાં એક અત્યંત પવિત્ર સુગંધ વર્તાઈ રહી હતી. એટલું જ નહીં જ્યાં ઘનશ્યામ સ્વરૂપ શ્રીહરિનું પ્રાગટ્ય થયું હતું તે કક્ષ અદભુત પ્રકાશપૂંજથી ઉભરાઈ રહ્યો હતો. છપૈયાના ઘનશ્યામ ભવનમાં દર્શનાર્થે આવનાર ભક્તોને પણ કંઈક આવી જ અનુભૂતિ થઈ રહી છે.

કહે છે કે બાળ ઘનશ્યામ પૂરાં પાંચ વર્ષ સુધી છપૈયામાં જ રહ્યા હતા. આ જ ધરા પર તે મિત્રો સાથે રમ્યા હતા અને અનેકવિધ લીલાઓ કરી કેટલાયને તેમણે ઉદ્ધાર્યા હતા. બાળઘનશ્યામનો સ્પર્શ પામેલી આ પ્રસાદીની વસ્તુઓ છપૈયામાં આજે પણ અકબંધ રીતે સચવાયેલી છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ સોનલને જાજીરે ખમાયું! જૂનાગઢના મઢડામાં થયું હતું મા સોનલનું પ્રાગટ્ય, જાણો આઈશ્રીની પ્રગટભૂમિનો મહિમા

આ પણ વાંચોઃ પુષ્કરમાં શા માટે પતિ બ્રહ્માજીથી દૂર બિરાજે છે માતા સાવિત્રી ? જાણો તીર્થરાજ પુષ્કરના અદભુત રહસ્યો !

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">